વિશ્વ બજાર પાછળ સોના-ચાંદીમાં તોફાની તેજી અને ક્રિસમસના વેકેશન ગાળાને કારણે માગ શાંત…

ચાંદીનો ઔદ્યોગિક વપરાશ વધવાની સાથે માલખેંચને કારણે સોનાની સરખામણીમાં ઝડપી તેજીવીતેલા સપ્તાહ દરમિયાન વૈશ્વિક સ્તરે ખાસ કરીને અમેરિકાના આર્થિક ડેટાઓ અમેરિકી ફેડરલ રિઝર્વ હળવી નાણાનીતિની તરફેણ કરે અને વર્ષ 2027માં બે કરતાં વધુ વખત વ્યાજદરમાં કાપ મૂકે તેવા આશાવાદની સાથે ભૂરાજકીય તણાવ, ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ, અમેરિકી ફેડરલ રિઝર્વના નવા અધ્યક્ષ હળવી નાણાનીતિ અપનાવે તેવો આશાવાદ પ્રબળ બનવાની સાથે સોનાના ભાવમાં એકતરફી તેજીનું વલણ જળવાઈ રહ્યું હતું.
તેમ જ ચાંદીમાં પણ ઉપરોક્ત કારણો ઉપરાંત પ્રવર્તમાન માલખેંચની સ્થિતિ હોવાથી તેજી વધુ આક્રમક બની હતી. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓમાં તેજીનું વલણ જળવાઈ રહ્યું હતું, અલબત્ત ચાંદીમાં વિશ્વ બજાર પાછળ સાપ્તાહિક ધોરણે અંદાજે 14 ટકા જેટલો ઉછાળો આવ્યો હતો, જ્યારે સોનાના ભાવમાં 4.68 ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. જોકે, બન્ને ધાતુઓમાં વિશ્વ બજાર ફૂંકાયેલી આ તેજીના તોફાનને કારણે ભાવ ઊંચી સપાટીએ ગયા હોવાથી અને હાલમાં ક્રિસમસના વેકેશનનો સમયગાળો હોવાને કારણે સાર્વત્રિક સ્તરેથી માગમાં સન્નાટો વ્યાપી ગયો હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.
ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભમાં હાજરમાં વેરારહિત ધોરણે 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના 10 ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 19મી ડિસેમ્બરના રૂ. 1,31,779ના બંધ સામે સુધારાના અન્ડરટોને 1,33,584ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં ખૂલતી જ રૂ. 1,33,584ની સપાટી અને ઉપરમાં સપ્તાહના અંતની રૂ. 1,37,956ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યા હતા. આમ ભાવમાં સાપ્તાહિક ધોરણે 10 ગ્રામ દીઠ રૂ. 6177 અથવા તો 4.68ની તેજી આવી હતી.
તે જ પ્રમાણે વેરારહિત ધોરણે 999 ટચ સ્ટાન્ડર્ડ ચાંદીના કિલોદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 19મી ડિસેમ્બરના રૂ. 2,00,067ના બંધ સામે સુધારાના અન્ડરટોને 2,07,550ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં ખૂલતી જ રૂ. 2,07,550ની સપાટી અને સપ્તાહના અંતે રૂ. 2,28,107ની સપાટીએ બંધ રહ્યા હતા. આમ ચાંદીના ભાવમાં સાપ્તાહિક ધોરણે 14.01 ટકાની અથવા તો કિલોદીઠ રૂ. 28,040ની આગઝરતી તેજી આવી હતી.
હાલમાં ક્રિસમસનો વેકેશનગાળો ચાલી રહ્યો છે અને બન્ને કિંમતી ધાતુઓના ભાવ પણ સર્વોચ્ચ સપાટીએ પ્રવર્તી રહેતા સાર્વત્રિક સ્તરેથી માગમાં સન્નાટો વ્યાપી ગયો હોવાનું કોલકાતા સ્થિત એક જ્વેલર્સે જણાવતા ઉમેર્યું હતું કે ગત શુક્રવારે સોનાના વૈશ્વિક ભાવ આૈંસદીઠ 4530 ડૉલરની સપાટી સુધી પહોંચતા સ્થાનિકમાં (કોલકાતા ખાતે)પણ ભાવ વધીને 1.39 લાખ સુધી પહોંચ્યા હતા.
એકંદરે ઊંચા મથાળેથી માગ રૂંધાઈ જવાને કારણે જ્વેલરી ઉત્પાદકો પણ નવી લેવાલીથી દૂર રહેતાં સ્થાનિકમાં ડીલરો દ્વારા ઓફર કરવામાં આવતા સોનાના ભાવ વૈશ્વિક ભાવની સરખામણીમાં આૈંસદીઠ 61 ડૉલર ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા, જ્યારે આગલા સપ્તાહે ડિસ્કાઉન્ટ 37 ડૉલર આસપાસની સપાટીએ રહ્યા હતા. તે જ પ્રમાણે મુંબઈ સ્થિત એક બુલિયન ડીલરે જણાવ્યું હતું કે સોના અને ચાંદીમાં ભાવની તેજીની સાથે ગ્રાહકીનું પ્રમાણ પણ ઘટી રહ્યું છે અર્થાત્ તેજીની માઠી અસર માગ પર પડી રહી છે અને ગ્રાહકો ભાવમાં કરેક્શનની રાહ જોઈ રહ્યા હોય તેમ જણાય છે.
આગલા સપ્તાહે ચીનમાં સોનાના ભાવ પરનાં ડિસ્કાઉન્ટ જે વૈશ્વિક ભાવની સરખામણીમાં આૈંસદીઠ 64 ડૉલરની સપાટીએ પહોંચ્યા હતા. જોકે, ગત સપ્તાહે ઊંચી ભાવ સપાટી અને નિરસ માગ છતાં પીપલ્સ બૅન્ક ઑફ ચાઈના તરફથી નવા આયાત ક્વૉટાનો અભાવ અને અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી 27-28 જાન્યુઆરીની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ પ્રબળ બન્યો હોવાથી સોનામાં સટ્ટાકીય આકર્ષણ વધતાં ડિસ્કાઉન્ટ ઘટીને આૈંસદીઠ 15થી 30 ડૉલર આસપાસના મથાળે રહ્યા હોવાનું ગે્રટર ચાઈના સ્થિત પીએએમપીનાં રિજિનલ ડિરેક્ટર બર્નાર્ડ સિને જણાવતા ઉમેર્યું હતું કે યુઆનમાં મક્કમ વલણનો પણ અમુક અંશે ટેકો મળ્યો હતો.
ગત સપ્તાહે વૈશ્વિક ચાંદીમાં સાપ્તાહિક ધોરણે 11 ટકા જેટલી તેજી આવી હતી. ચાંદીમાં ઝડપી તેજી માટેનાં મુખ્ય કારણોમાં સોનાનાં કારણો ઉપરાંત ખાસ કરીને વૈશ્વિક સ્તરે પુરવઠાખેંચ સામે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, સંરક્ષણ, ઑટોમોબાઈલ, ઈલેક્ટ્રિક વાહનો તથા તેની બેટરી, સોલાર પેનલો, ચીપ્સ વગેરેમાં ઔદ્યોગિક વપરાશમાં ચાંદીનો વપરાશ વધવાની સાથે તાજેતરમાં કેન્દ્રવર્તી બૅન્કોની પણ ચાંદીમાં વધેલી લેવાલી અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડોની માગ વધતાં ચાંદીમાં તેજી વેગીલી બની હોવાનું સૂત્રોએ જણાવતાં ઉમેર્યું હતું કે પ્રાપ્ત અહેવાલ અનુસાર રશિયન કેન્દ્રવર્તી બૅન્કે હાજર ચાંદીમાં 92,000 ટનની ખરીદી કરી છે.
આ ઉપરાંત સાઉદી સેન્ટ્રલ બૅન્કની પણ સોનના એક્સચેન્જ ટ્રેડેડ ફંડોમાં અવિરત લેવાલી રહે છે. નોંધનીય બાબત એ છે કે ગત નવેમ્બર મહિનાથી અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ચાંદીનો મહત્ત્વના ખનીજોની યાદીમાં સમાવેશ કર્યો ત્યારથી વૈશ્વિક સ્તરે ચાંદીમાં વન વૅ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્રે એક બાબત યાદ રાખવી ઘટે કે ચાંદી એ સોનાની જેમ ખનન કરવાથી નથી મળતી, પરંતુ તે ઝિન્ક, લીડ અને કોપર જેવી ધાતુઓની આડપેદાશ હોવાથી તેની ઉપલબ્ધિની માત્રા પણ ઓછી હોય છે અને તાજેતરમાં ઔદ્યોગિક માગમાં ઝડપી ઉછાળો આવતાં પુરવઠા સ્થિતિ તંગ બનતા તેજીનું વલણ જોવા મળી રહ્યું છે અને તેને કારણે જ કોપર, લીડ અને ઝિન્ક જેવી ધાતુઓમાં પણ તેજી જોવા મળી રહી છે. આમ ચાંદીની આૈંદ્યોગિક માગમાં થયેલા વધારાને ધ્યાનમાં લેતા વેદાંતા જૂથનાં અનિલ અગરવાલે ચાંદીની વર્તમાન તેજીને તો હજુ શરૂઆત થઈ રહી હોવાનું ગણાવ્યું હતું.
અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે વેનેઝુએલનાં તેલ ટેન્કરો પર નાકાબંધીની જાહેરાત કર્યાના દસ દિવસ પછી વૈશ્વિક સ્તરે ઈંધણના પુરવઠામાં વિક્ષેપ પડવાની ભીતિ વધુ તીવ્ર બની છે. વધુમાં રશિયા-યુક્રેન વચ્ચેનો તણાવ, નાઈજીરિયાના આઈએસઆઈએસ લક્ષ્યાંકો પર અમેરિકાના લશ્કર દ્વારા થઈ રહેલા હુમલા જેવાં ભૂરાજકીય પરિબળોને કારણે સોના-ચાંદી સહિતની કિંમતી ધાતુઓમાં વધેલી સલામતી માટેની માગ ઉપરાંત અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવા પ્રબળ આશાવાદે ગત સપ્તાહે વૈશ્વિક સોનામાં ત્રણ ટકા જેટલો અને ચાંદીમાં 11 ટકાનો ઉછાળો આવ્યો હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્લેષકે જણાવતાં ઉમેર્યું હતું.
આ કારણો ઉપરાંત બન્ને કિંમતી ધાતુઓમાં કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલી તેમ જ એક્સચેન્જ ટ્રેડેડ ફંડોની માગનો પણ વ્યાપક ટેકો મળ્યો હતો. અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી બજાર વર્તુળો ધારણા મૂકી રહ્યા છે. વર્તમાન પરિબળોને ધ્યાનમાં લેતા અમારા મતે આગામી સપ્તાહ દરમિયાન કોમેક્સ ખાતે સોનામાં આૈંસદીઠ 4200 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની અને 4700 ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી અને ચાંદીના ભાવ આૈંસદીઠ 66થી 83 ડૉલરની રેન્જમાં રહે તેવી શક્યતા નકારી ન શકાય, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1.31 લાખથી 1.48 લાખની રેન્જમાં અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 2.20 લાખથી 2.50 લાખની રેન્જમાં રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
દરમિયાન ગત સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કોમેક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ 1.2 ટકા વધીને આૈંસદીઠ 4531.41 ડૉલર આસપાસ અને ફેબ્રુઆરી વાયદામાં ભાવ 1.1 ટકા વધીને 4552.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 7.50 ટકાના ઉછાળા સાથે આૈંસદીઠ 77.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે વિશ્લેષકો ચાંદીના ભાવ ટૂંક સમયમાં આૈંસદીઠ 80 ડૉલરની સપાટી અંકે કરે તેવી અને સોનાના ભાવ વર્ષ 2026ના પહેલા છમાસિકગાળામાં જ આૈંસદીઠ 5000 ડૉલરની સપાટી અંકે કરે તેવી શક્યતા મૂકી રહ્યા છે.



