વિશ્વ બજારથી વિપરીત સોનામાં રૂ. ૯૬નો અને ચાંદીમાં રૂ. ૫૬૪નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવમાં સુધારાતરફી અને વાયદામાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીના ભાવ પણ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા.
જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં ગઈકાલની દશેરાની જાહેર રજા બાદ મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૫૬૪નો ઘટાડો આવ્યો હતો અને સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૬ ઘટી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યાના નિર્દેશો સાથે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ એને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૫૬૪ ઘટીને રૂ. ૭૧,૫૩૦ના મથાળે રહ્યા હતા.
તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની ઊંચા મથાળેથી માગ રૂંધાઈ જતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૬ના ઘટાડા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૦,૩૫૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૦,૬૦૨ના મથાળે રહ્યા હતા.
ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવમાં ઘટાડા તરફી વલણ રહ્યા બાદ આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને ૧૦ વર્ષીય ટ્રેઝરીની યિલ્ડમાં વધ્યા મથાળેથી ઘટાડો આવતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૧૯૭૫.૬૧ ડૉલર અને વાયદામાં ભાવ સાંકડી વધઘટે અથડાઈને ૧૯૮૬.૭૦ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા. તેમ જ ચાંદીના ભાવ પણ ઔંસદીઠ ૨૨.૯૪ ડૉલરના મથાળે ટકેલા રહ્યા હતા.
તાજેતરમાં ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેતાં છેલ્લા ૧૦ દિવસમાં સોનાના ભાવમાં ૧૦ ટકા જેટલો ઉછાળો આવ્યા બાદ હાલ ભાવ ઔંસદીઠ ૨૦૦૦ ડૉલરની પ્રતિકારક સપાટીનો સામનો કરી રહ્યા હોવાનું સિટી બૅન્કના વિશ્ર્લેષક મૅટ સિમ્પસને જણાવતાં ઉમેર્યું હતું કે હાલ રોકાણકારોની નજર અમેરિકાનાં જીડીપીના ડેટા, જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પર મંડાયેલી છે. જોકે, મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધે તેવી શક્યતા હાલમાં ઓછી થતાં વૈશ્વિક સોનું ૨૦૦૦ ડૉલરની સપાટી અંકે કરવા મથી રહ્યું છે. તેમ જ તેજીના ખેલાડીઓ ખરીદી માટે ભાવ ઔંસદીઠ ૧૯૫૦ ડૉલર આસપાસ આવે તેની રાહ જોઈ રહ્યા છે.