અમેરિકાની ટ્રેડ ડીલના આશાવાદમાં વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 145ની અને ચાંદીમાં રૂ. 104ની પીછેહઠ | મુંબઈ સમાચાર

અમેરિકાની ટ્રેડ ડીલના આશાવાદમાં વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 145ની અને ચાંદીમાં રૂ. 104ની પીછેહઠ

મુંબઈઃ અમેરિકાના વેપારી ભાગીદાર દેશો સાથે થઈ રહેલી ટ્રેડ ડીલ અંગેની વાટાઘાટોની પ્રગતિને ધ્યાનમાં લેતા ડીલ થઈ જવાના આશાવાદ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીમાં સલામતી માટેની માગ ઓસરતા ભાવમાં ધીમો ઘટાડો આવ્યો હોવના અહેવાલ હતા. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં પીછેહઠ જોવા મળી હતી. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 20 પૈસા ઘટીને ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરો વધી આવતાં વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહેતાં માત્ર 10 ગ્રામદીઠ રૂ. 144થી 145 ઘટી આવ્યા હતા. તેમ જ ચાંદીના ભાવમાં પણ કિલોદીઠ રૂ. 104નો સાધારણ ઘટાડો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ તેમ જ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે નવી લેવાલીનો અભાવ રહ્યો હતો, જ્યારે ઔદ્યોગિક વપરાશકારોની ખપપૂરતી માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 104ના ઘટાડા સાથે રૂ. 1,14,988ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ તેમ જ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 144 ઘટીને રૂ. 98,340 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 145 ઘટીને રૂ. 98,735ના મથાળે રહ્યા હતા.

આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને અમેરિકાની ટ્રેડલની વાટાઘાટોની પ્રગતિને ધ્યાનમાં લેતા રોકાણકારોની સલામતી માટેની માગ ઓસરતા હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા ઘટીને આૈંસદીઠ 3356.75 ડૉલર અને વાયદામાં ભાવ 0.4 ટકા ઘટીને 3358.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.3 ટકા ઘટીને આૈંસદીઠ 38.96 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

એકંદરે આજે ટૂંકા સમયગાળાના તેજીના ખેલાડીઓની સોનામાં નફારૂપી વેચવાલીનું દબાણ અને સલામતી માટેની માગ મંદ પડી હતી. જોકે, ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી તેમ જ ફેડરલ રિઝર્વ દ્વારા રેટ કટના આશાવાદને ધ્યાનમાં લેતા ભાવમાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું ઓએએનડીએનાં વિશ્લેષક કેલ્વિન વૉન્ગે જણાવતા ઉમેર્યું હતું કે આગામી ટૂંકા સમયગાળા માટે વૈશ્વિક સોનામાં આૈંસદીઠ 3360 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થાય તેવી શક્યતા નકારી ન શકાય.

દરમિયાન યુરોપિયન યુનિયનના ડિપ્લોમેટ્સના જણાવ્યાનુસાર અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચે ટૂંક સમયમાં ટ્રેડ ડીલ થઈ જવાની શક્યતા છે. આ ટ્રેડ ડીલ અંતર્ગત જાપાનની ટ્રેડ ડીલની જેમ અમેરિકામાં આયાત થતાં યુરોપિયન યુનિયનના માલ પર 15 ટકા ટૅરિફ નિર્ધારિત થાય તેવી શક્યતા છે.

વધુમાં ગત સપ્તાહે અમેરિકાના બેરોજગારી ભથ્થુ મેળવવા માટેનાં અરજદારોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો હોવાથી રોજગાર ક્ષેત્રે સ્થિરતાના અણસાર મળ્યા હતા. જોકે, આગામી સપ્તાહની નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદર યથાવત્‌‍ રાખે અને સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં કપાત જોવા મળે તેવો આશાવાદ બજાર વર્તુળો મૂકી રહ્યા છે.

આ પણ વાંચો…સોના કરતા ચાંદી વધારે ચળકી! સોનાએ 32% તો ચાંદીએ 36% વળતર આપ્યું

Back to top button