વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. 434ની અને ચાંદીમાં રૂ. 1344ની આગેકૂચ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે બે દિવસીય બેઠકના અંતે અપેક્ષાનુસાર વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકવાની સાથે શેષ વર્ષ 2025માં હળવી નાણાનીતિના સંકેત આપ્યા હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં સુધારો આગળ ધપ્યો હોવાના નિર્દેશ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 432થી 434ની આગેકૂચ જોવા મળી હતી.
વધુમાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 31 પૈસા નબળો પડ્યો હોવાથી સોનાની આયાત પડતર વધી આવવાથી પણ સોનાની તેજીને ટેકો મળ્યો હતો. તેમ જ આજે ચાંદીના ભાવ પણ કિલોદીઠ રૂ. 1344 વધી આવ્યા હતા.
આપણ વાંચો: સરકારે સોના અને ચાંદીના ફાઈન્િંડગ્સ અને સિક્કાઓ પરની આયાત જકાત વધારીને ૧૫ ટકા કરી
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 1344ના ઉછાળા સાથે રૂ. 1,27,100ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી જ્વેલરી ઉત્પાદકોની લેવાલી નિરસ રહી હતી.
વધુમાં આજે સોનામાં પણ વિશ્વ બજાર પાછળ તેજીનું વલણ જળવાઈ રહેતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 432 વધીને રૂ. 1,09,726ના મથાળે 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 434 વધીને રૂ. 1,10,167ના મથાળે રહ્યા હતા, પરંતુ વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આપણ વાંચો: ભગવાન રામલલાની ચરણ પાદુકા આટલા સોના અને ચાંદીમાંથી બનેલી છે
ગઈકાલે ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં કાપ મૂક્યો હોવાના નિર્ણય સાથે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને આૈંસદીઠ 3707.40 ડૉલરની નવી ઊંચી સપાટીએ પહોંચીને પાછા ફર્યા હતા. તેમ જ આજે લંડન ખાતે સત્રના આરંભે ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં હાજરમાં ભાવ 0.2 ટકા વધીને આૈંસદીઠ 3668.34 ડૉલર આસપાસ તથા વાયદામાં ભાવ 0.4 ટકા ઘટીને 3703 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.4 ટકા વધીને આૈંસદીઠ 41.84 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે શેષ વર્ષ 2025માં વધુ બે વખત વ્યાજદરમાં કપાતના સંકેત અને ડૉલરની નબળાઈનો સોનાની તેજીને ટેકો મળ્યો હોવાનું સિટી ઈન્ડેક્સ અને ફોરેક્સ ડૉટ કૉમનાં વિશ્લેષક ફવાદ રઝાકઝાદાએ જણાવતાં ઉમેર્યું હતું કે સોનાની તેજીને ટેકો આપી રહ્યા છે. વધુમાં અન્ય એક વિશ્લેષક રોસ નોર્મનના મતાનુસાર હળવી નાણાનીતિના આશાવાદ હેઠળ સોનામાં તેજીનું વલણ અકબંધ જળવાઈ રહેશે.
જોકે, ફેડરલ રિઝર્વ આગામી ઑક્ટોબર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધુ 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી 90 ટકા શક્યતા બજાર વર્તુળો સીએમઈ ફેડ વૉચ ટૂલ પર મૂકી રહ્યા છે. વધુમાં એએનઝેડે એક નોટ્સમાં જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરના ભૂરાજકીય પડકારોને ધ્યાનમાં લેતા સોનામાં રોકાણકારોની સલામત અસ્ક્યામત તરીકેની માગ જળવાયેલી રહેશે.