ફેડરલની બેઠકની ફળશ્રુતિ પૂર્વે સોના-ચાંદીમાં સાધારણ નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર ગઈકાલે સોનાના ભાવમાં વધીને ગત પાંચમી સપ્ટેમ્બર પછીની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ આજે અમેરિકી ફેડરલ રિઝર્વની સમાપન થનારી નિર્ણાયક નીતિવિષયક બેઠક પૂર્વે રોકાણકારોએ સોના-ચાંદીમાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યા હતા અને વાયદામાં ભાવ સાધારણ ઘટ્યા હતા, જ્યારે ચાંદીમાં પણ સાધારણ નરમાઈ જોવા મળી હતી. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં ગઈકાલની ગણેશચતુર્થીની જાહેર રજા બાદ પાંખાં કામકાજો વચ્ચે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. સાતનો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. આઠનો ઘટાડો થયો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં બાવીસ પૈસાનું બાઉન્સબૅક જોવા મળ્યું હોવાથી સોનાની આયાત પડતર ઘટવાને કારણે પણ સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. આઠના ઘસરકા સાથે રૂ. ૭૨,૨૦૪ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની પાંખી માગ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની પણ માગ નિરસ રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. સાતના ઘટાડા સાથે અનુક્રમે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૯,૦૭૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૯,૩૧૭ના મથાળે રહ્યા હતા.
આજે સમાપન થઈ રહેલી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠકની ફળશ્રુતિ પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને ઔંસદીઠ ૧૯૩૧.૨૦ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા અને વાયદામાં ભાવ ૦.૧ ટકા ઘટીને ૧૯૫૨.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩.૨૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.