સોનામાં ₹ ૧૨૦નો અને ચાંદીમાં ₹ ૯૩ની નરમાઈ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની ગઈકાલે જાહેર થયેલી છેલ્લી નીતિવિષયક બેઠકમાં મહદ્ અંશે નીતિ ઘડવૈયાઓ આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવા માટે સહમત થયા હોવાનું જણાતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ધીમો સુધારો અને વાયદામાં ધીમો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ હતા. આમ વૈશ્ર્વિક મિશ્ર અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૦નો ઘટાડો આવ્યો હતો અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૯૩ ઘટી આવ્યા હતા. આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પાંખી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૯૩ ઘટીને રૂ. ૮૪,૮૨૦ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારો નવી લેવાલીથી દૂર રહ્યા હતા. તેમ જ જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૦ના ઘટાડા સાથે ૯૯.૫ ટચ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ અનુક્રમે રૂ. ૭૧,૩૧૨ અને રૂ. ૭૧,૫૯૯ના મથાળે રહ્યા હતા.
ફેડરલની મિનિટ્સના પ્રોત્સાહક અહેવાલે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા વધીને ૨૫૧૬.૦૧ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૧ ટકા ઘટીને ૨૫૪૭.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૬ ટકા વધીને ઔંસદીઠ ૨૯.૬૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.