વેપાર

ડૉલર મજબૂત થતાં સોનામાં ₹ ૭૧નો અને ચાંદીમાં ₹ ૧૦૩૩નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી જોવા મળેલો સુધારો તેમ જ રોકાણકારોની નજર આગામી શુક્રવારે જાહેર થનારા અમેરિકાના પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સ્પેન્ડિચર ડેટા પર સ્થિર હોવાથી પાંખાં કામકાજો વચ્ચે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદાના ભાવમાં તેમ જ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૧નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં પણ ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસા જેટલો નબળો પડ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં વધારો થવાને કારણે વિશ્ર્વ બજારની તુલનામાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે ચાંદીના ભાવ પણ કિલોદીઠ રૂ. ૧૦૩૩ ઘટી આવ્યા હતા. આજે સોનામાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ તથા જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ પણ ખપપૂરતી રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૧ ઘટીને ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૧,૪૦૪ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૧,૬૯૧ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૦૩૩ ઘટીને રૂ. ૮૪,૯૨૯ના મથાળે રહ્યા હતા. દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને અમેરિકાના ફુગાવાના ડેટાની જાહેરાત પૂર્વે રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવતા હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે એક ટકો ઘટીને ઔંસદીઠ ૨૫૦૦.૪ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૯ ટકા ઘટીને ૨૫૨૯.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૨.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૨૯.૩૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

નોંધનીય બાબત એ છે કે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ૦.૨ ટકા વધીને ક્વૉટ થઈ રહ્યો હોવાથી વિદેશી ચલણ ધારક રોકાણકારો માટે સોનાની ભાવસપાટી ઊંચી રહેતાં આકર્ષણ ઘટ્યું હતું. જોકે, ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા હોવાથી એકંદરે સોનામાં અન્ડરટોન તેજીનો હોવાનું ગ્લોબલ મેક્રોનાં હેડ સ્પાઈવેકે જણાવ્યું હતું. વધુમાં ઓએએનડીએનાં એશિયા પેસિફિક વિભાગનાં માર્કેટ એનાલિસ્ટે જણાવ્યું હતું કે સોનાના ભાવ ઔંસદીઠ ૨૫૩૨ ડૉલરની પ્રતિકારક સપાટી કુદાવે તો તેજી આગળ ધપે તેવી શક્યતા છે.

જોકે, હાલમાં સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ આગામી ૧૭-૧૮ સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૬૬ ટકા અને ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૩૪ ટકા શક્યતા બજાર વર્તુળો જોઈ રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button