સોનામાં ₹ ૨૭૦ની આગેકૂચ, ચાંદીમાં ₹ ૫૪નો ઘસરકો
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બરથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતા પ્રબળ બનતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં સુધારો આગળ ધપ્યો હતો. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મુખ્યત્વે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૬૯થી ૨૭૦ની આગેકૂચ જળવાઈ રહી હતી, જ્યારે ચાંદીમાં વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ ઉપરાંત કામકાજો ખપપૂરતા રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૫૪નો સાધારણ ઘસરકો આવ્યો હતો.
આજે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ તેમ જ ઊંચા મથાળેથી ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ પાંખી રહેતા ભાવ કિલોદીઠ રૂ. ૫૪ના સાધારણ ઘટાડા સાથે રૂ. ૯૧,૭૯૩ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૬૯ વધીને રૂ. ૭૨,૩૨૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૨૭૦ વધીને રૂ. ૭૨,૬૧૬ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીમાં અભાવ રહ્યો હતો.
દરમિયાન ગઈકાલે ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે તેનાં વક્તવ્યમાં જણાવ્યું હતું કે હાલમાં ફુગાવો લક્ષ્યાંકિત બે ટકાની સપાટીની ઉપર છે.