સોનામાં ₹ ૩૬૬ની અને ચાંદીમાં ₹ ૭૩૬ની આગેકૂચ
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની વ્યાજદર વધારાની સાઈકલનો અંત આવ્યાના અણસારો સાથે આજે ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો થતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં આગેકૂચ જળવાઈ રહી હતી, જેમાં ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૭૩૬નો અને સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૬૪થી ૩૬૬નો સુધારો આગળ ધપ્યો હતો. વધુમાં આજે ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાને કારણે સોનામાં સુધારાને ટેકો મળ્યો હતો. આજે સ્થાનિક સોનાચાંદી બજારમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૭૩૬ વધીને રૂ. ૭૩,૪૬૫ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૬૪ વધીને રૂ. ૬૧,૩૬૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૬૬ વધીને રૂ. ૬૧,૬૧૬ના મથાળે રહ્યા હતા. જોકે, વધ્યા મથાળેથી જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પાંખી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જો ફુગાવો નિયંત્રણમાં રાખવાના પ્રયાસોમાં કોઈ અંતરાય જેવું જણાશે તો જ વ્યાજદરમાં વધારો કરવામાં આવશે એ બાબત પર અમેરિકી ફેડરલના અધિકારીઓ સંમત થયા હોવાનું ગત ૩૧ ઑક્ટોબર અને પહેલી નવેમ્બરના રોજ યોજાયેલી અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠકની ગઈકાલે જાહેર થયેલી મિનિટ્સમાં જાણવા મળતાં આજે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં નરમાઈનું વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા વધીને ઔંસદીઠ ૨૦૦૦.૩૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સત્ર દરમિયાન એક તબક્કે સોનાના ભાવ વધીને ત્રણ સપ્તાહની ઊંચી ઔંસદીઠ ૨૦૦૭.૨૯ ડૉલરની સપાટીએ પહોંચ્યા હતા. જોકે, વાયદામાં ભાવ સાંકડી વધઘટે અથડાઈને ઔંસદીઠ ૨૦૦૨.૪૦ ડૉલરની સપાટીએ ટકેલા રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ ૦.૫ ટકા વધીને ઔંસદીઠ ૨૩.૮૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તાજેતરમાં ડૉલર ઈન્ડેક્સની નરમાઈ સોનાના સુધારાને ટેકો આપી રહી હોવાનું સિટી ઈન્ડેક્સનાં વિશ્ર્લેષક મૅટ સિમ્પસને જણાવ્યું હતું. જોકે, હવે ૬૦ ટકા બજાર વર્તુળોનું માનવું છે કે અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી મે મહિનામાં વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો ઘટાડો કરશે. ઉ