વેપાર

અમેરિકાના જોબ ડેટા અપેક્ષા કરતાં વધુ સારા આવતા સોનામાં 630નો અને ચાંદીમાં 1447નો કડાકો

મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાના જોબ ડેટા બજારની અપેક્ષા કરતાં વધુ સારા આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાત શરૂ કરવામાં વધુ મોડું કરે તેવી ભીતિ સપાટી પર આવતા ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટે્રઝરીની યિલ્ડમાં સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો હતો. આમ આજે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સપ્તાહના આરંભે વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સોનામાં 10 ગ્રામદીઠ રૂ. 627થી 630નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 1447નો કડાકો બોલાઈ ગયો હતો, જેમાં શુદ્ધ સોનાએ 10 ગ્રામદીઠ રૂ. 63,000ની અને ચાંદીએ કિલોદીઠ રૂ. 71,000ની સપાટી ગુમાવી હતી.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં .999 ટચ ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ ઉપરાંત વધુ ઘટાડાના આશાવાદે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 1447 ઘટીને રૂ. 70,417ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વિશ્વ બજાર પાછળ ભાવમાં ઘટાડો આવ્યો હતો. જોકે, આજે આ સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો આઠ પૈસા નબળો પડ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં વધારો થવાને કારણે વિશ્વ બજારની સરખામણીમાં ઘટાડો મર્યાદિત રહેતાં 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 627 ઘટીને રૂ. 62,262 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 630 ઘટીને રૂ. 62,512ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ઘટ્યા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીમાં અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી પણ છૂટીછવાઈ ખપપૂરતી રહી હોવાના અહેવાલ હતા.
અમેરિકા ખાતે ગત શુક્રવારે જાહેર થયેલા ગત જાન્યુઆરી મહિનાના નોન ફાર્મ પૅરૉલ ડેટામાં રોજગારોની સંખ્યામાં 1,80,000નો વધારો થવાની ધારણા બજાર વર્તુળો રાખી રહ્યા હતા, પરંતુ રોજગારોની સંખ્યા વધીને 3,53,000ની સપાટીએ પહોંચી હોવાનું શ્રમ મંત્રાલયે જણાવ્યું હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવામાં વિલંબ કરે તેવી ભીતિ સપાટી પર આવતાં ગત શુક્રવારે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. તેમ જ આજે લંડન ખાતે પણ સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.7 ટકા ઘટીને એક સપ્તાહની નીચી આૈંસદીઠ 2045.55 ડૉલરની સપાટી આસપાસ અને વાયદામાં ભાવ 0.6 ટકા ઘટીને 2040.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે એક ટકો ઘટીને આૈંસદીઠ 22.44 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
તાજેતરમાં સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે, પરંતુ ફેડરલ રિઝર્વે ફુગાવો અંકુશ હેઠળ આવે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હોવાથી એકંદરે ભાવ આૈંસદીઠ 2000 ડૉલર કરતાં નીચે જાય તેવી શક્યતા વિશ્લેષકો નકારી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button