સોનામાં 348નો અને ચાંદીમાં 164નો ઘટાડો
મુંબઈ: વૈશ્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટે્રઝરીની યિલ્ડમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં અને ચાંદીના હાજર ભાવમાં પણ ઘટાડો આવ્યાના નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સપ્તાહના આરંભે સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 347થી 348નો ઘટાડો આવ્યો હતો. તેમ જ આજે ચાંદીમાં પણ મધ્યસત્ર પશ્ચાત્ સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ વધવાની સાથે ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી પણ પાંખી રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. 164નો ઘટાડો આવ્યો હતો.
આજે સ્થાનિકમાં ખાસ કરીને સોનામાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત રૂપિયામાં સુધારાનું વલણ રહેતાં આયાત પડતરમાં ઘટાડો અને ભાવઘટાડાના માહોલમાં જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી નિરસ રહેતાં 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 347 ઘટીને રૂ. 61,943 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 348 ઘટીને રૂ. 62,192ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે .999 ટચ ચાંદીમાં મધ્યસત્ર પશ્ચાત્ સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતાં જોવા મળેલો કિલોદીઠ રૂ. 23નો સુધારો ધોવાઈ ગયો હતો અને અંતે ભાવ કિલોદીઠ રૂ. 164ના ઘટાડા સાથે રૂ. 71,386ના મથાળે બંધ રહ્યા હતા.
આંતરરાષ્ટ્રીય સ્તરે રાતા સમુદ્રમાંથી માલની હેરફેર રૂંધાવાને કારણે નૂર ભાડામાં વધારો થવાથી ફુગાવામાં વધારાની શક્યતા ઉપરાંત અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ક્યારથી કપાતની શરૂઆત કરે તેની અવઢવ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 1.14 ટકા ઘટીને આૈંસદીઠ 2020.19 ડૉલર અને વાયદામાં ભાવ 1.24 ટકાના ઘટાડા સાથે 2019.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ પણ આગલા બંધ સામે 1.37 ટકા ઘટીને આૈંસદીઠ 23 ડૉલરની સપાટી ગુમાવીને 22.84 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.