વેપાર

રૂપિયો મજબૂત થતાં સોનામાં 234નો અને ચાંદીમાં 229નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકાનાં નોન ફાર્મ પૅ રૉલ ડેટાની આજે થનારી જાહેરાત પૂર્વે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદાના ભાવમાં અને ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો હોવાના નિરુત્સાહી અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં છ પૈસાનો સુધારો આવ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાથી હાજરમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 233થી 234નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 229નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને સોનામાં વૈશ્વિક ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની ખપપૂરતી લેવાલી રહેવાની સાથે રૂપિયો મજબૂત થવાથી આયાત પડતરોમાં ઘટાડો થવાને કારણે 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 233 ઘટીને રૂ. 62,290ના મથાળે અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 234 ઘટીને રૂ. 62,540ના મથાળે રહ્યા હતા. તેમ જ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે .999 ટચ ચાંદીમાં મધ્યસત્ર પશ્ચાત્‌‍ સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગ છૂટીછવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 229 ઘટીને રૂ. 71,550ના મથાળે રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠક પશ્ચાત્‌‍ ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે વર્ષ 2024માં ત્રણ વખત વ્યાજદરમાં કાપ મૂકવામાં આવશે એમ જણાવ્યું હતું, પરંતુ તાજેતરમાં જાહેર થયેલી તે બેઠકની મિનિટ્સમાં વ્યાજ કપાતનો કોઈ ઉલ્લેખ ન હોવાથી બજાર વર્તુળોમાં વ્યાજ કપાત અંગેની ભીતિ સપાટી પર આવતા સોનામાં તેજી અટકી હતી અને આ સપ્તાહમાં અત્યાર સુધીમાં 1.2 ટકાનો ઘટાડો નોંધાઈ ગયો છે. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા ઘટીને આૈંસદીઠ 2037.10 ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા ઘટીને 2044.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.2 ટકા ઘટીને આૈંસદીઠ 22.95 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે ફેડરલની મિનિટ્સમાં વ્યાજ કપાત અંગે સ્પષ્ટતા ન હોવાને કારણે આજે રોકાણકારોની નજર ગત સપ્તાહનાં જાહેર થનારા અમેરિકાના જોબ ડેટા પર સ્થિર થઈ હોવાથી ભાવ સાંકડી વધઘટે અથડાતા રહ્યા હોવાનું વિશ્લેષકોએ જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર અગાઉ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં માર્ચ મહિનામાં કાપ મૂકે તેવી 90 ટકા શક્યતા દર્શાવાઈ રહી હતી તેની સામે હવે 65 ટકા શક્યતા દર્શાવાઈ રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button