રૂપિયો નબળો પડતાં સોનામાં 106નો અને ચાંદીમાં 310નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો છ પૈસા નબળો પડ્યો હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં આજે વર્ષનાં આરંભે સોનાની આયાત પડતરોમાં વધારો થવાથી ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 105થી 106નો ધીમો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં ખાસ કરીને ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 310 વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 310ના સુધારા સાથે રૂ. 73,705ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી પાંખી રહી હોવા છતાં આજે ડૉલર સામે રૂપિયો છ પૈસા નબળો પડ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાથી 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 105 વધીને રૂ. 63,098 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાા રૂ. 106 વધીને રૂ. 63,352ના મથાળે રહ્યા હતા.
આજે વર્ષ 2024નો પહેલો દિવસ હોવાથી નવા વર્ષ નિમિત્તે લંડન ખાતે બજારો બંધ રહી હતી. જોકે, ગત વર્ષ 2023નાં છેલ્લા ત્રણ મહિના દરમિયાન અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વર્ષ 2024માં વ્યાજદરમાં કપાતની શક્યતાઓ પ્રબળ બનવાની સાથે વર્ષ 2023ની છેલ્લી નીતિવિષયક બેઠકમાં ફેડરલે વ્યાજદરમાં કપાતના સ્પષ્ટ સંકેતો આપતા સોનામાં તેજી વેગીલી બની હતી અને વર્ષ 2023 દરમિયાન વાર્ષિક ધોરણે સોનાના વૈશ્વિક ભાવમાં ત્રણ વર્ષનો સૌથી મોટો 13 ટકાનો ઉછાળો નોંધાયો હતો. વધુમાં વર્ષ 2024માં ફેડરલ રિઝર્વે ત્રણ વખત વ્યાજ કપાતના નિર્દેશ આપ્યા હોવાથી આગામી દિવસોમાં પણ ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટે્રઝરીની નરમાઈ સાથે સોનામાં સુધારાતરફી વલણ જળવાઈ રહેવાનો આશાવાદ બજાર વર્તુળો સેવી રહ્યા છે.