વેપાર અને વાણિજ્ય

ચાંદીમાં રૂ. ૧૫૪૭નો ચમકારો, શુદ્ધ સોનું રૂ. ૩૧૯ વધીને ફરી રૂ. ૫૯,૦૦૦ની પાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચીનનાં આર્થિક ડેટા સારા આવ્યા હોવાથી આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં યુઆન સામે ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં લંડન ખાતે હાજરમાં સોનાના ભાવમાં ત્રણ સપ્તાહની નીચી સપાટીએથી બાઉન્સબૅક જોવા મળ્યું હતું. તેમ જ ચાંદીના ભાવમાં પણ ઘટ્યા મથાળેથી બે ટકાનો ઉછાળો આવ્યો હતો. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓમાં ભાવઘટાડો અટક્યો હતો જેમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૪૭થી ૨૪૮નો સુધારો આવ્યો હતો, જેમાં શુદ્ધ સોનાના ભાવ ફરી રૂ. ૫૯,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા. તેમ જ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૫૪૭નો ચમકારો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં વૈશ્ર્વિક બજાર પાછળ ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૫૪૭ના ચમકારા સાથે ફરી રૂ. ૭૧,૦૦૦ની સપાટી કુદાવીને રૂ. ૭૧,૮૫૩ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી પાંખી હોવા છતાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ અને સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો બાર પૈસા નબળો પડ્યો હોવાથી આયાત પડતર વધવાને કારણે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૧૮ વધીને રૂ. ૫૮,૭૮૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૧૯ વધીને રૂ. ૫૯,૦૧૬ના મથાળે રહ્યા હતા.

ગત ઑગસ્ટ મહિનામાં ચીનના ફેક્ટરી આઉટપૂટ અને રિટેલ વેચાણના ડેટા બજારની અપેક્ષા કરતાં સારા આવ્યા હોવાથી આજે ડૉલર સામે યુઆનમાં મજબૂત વલણ રહ્યું હતું, અર્થાત્ ડૉલર નબળો પડતાં લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪ ટકા વધીને અનુક્રમે ઔંસદીઠ ૧૯૧૭.૬૦ ડૉલર અને ૧૯૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૨.૨ ટકાના ઉછાળા સાથે ઔંસદીઠ ૨૩.૧૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

એકંદરે આજે સોનામાં ડૉલર નબળો પડતાં ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવા છતાં રોકાણકારોની નજર આગામી ૧૯-૨૦ સપ્ટેમ્બરની ફેડરલ રિઝર્વની બેઠક પર સ્થિર થઈ હોવાથી તેઓએ નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવતાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું આઈજીનાં માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ યિપ જૂન રૉન્ગે જણાવતાં ઉમેર્યું હતું કે હાલની અમેરિકન અર્થતંત્રની સ્થિતિને ધ્યાનમાં લેતાં ફેડરલ રિઝર્વ નજીકના ભવિષ્યમાં વ્યાજદરમાં કાપ નહીં મૂકે, પરંતુ વર્ષ ૨૦૨૪ના મધ્ય પછી શક્યત: રેટકટની શરૂઆત કરે તેમ જણાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?