વેપાર

બુલિયન બજારમાં જોરદાર તેજી: સોનું 77,500ની નિકટ, ચાંદીએ 92,250ની સપાટી વટાવી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: બુલિયન બજારમાં તેજીનો માહોલ રહ્યો હતો. સ્થાનિક ઝવેરી બજારમાં સપ્તાહના અંતિમ સત્રમાં સોનાચાંદીના ભાવમાં એગૂકચ ચાલુ રહી હતી. શુદ્ધ સોનું દસ ગ્રામે રૂ. 77,500ની નિકટ પહોંચ્યું છે અને ચાંદીએ કિલોદીઠ રૂ. 92,250ની સપાટી વટાવી નાંખી છે
.
મુંબઇના બુલિયન બજારમાં સત્રની શરૂઆતથી જ તેજીનો માહોલ રહ્યો હતો. આઇબીજેએની સાઇટ અનુસાર 999 ટચનું શુદ્ધ સોનું રૂ. 76,810ના પાછલા બંધ સામે રૂ. 77,000ની સપાટી વટાવીને સીધું રૂ. 77,332ના મથાળે ખૂલ્યા બાદ અંતે દસ ગ્રામ દીઠ રૂ. 600ના સુધારા સાથે રૂ. 77,410ની સપાટીએ સ્થિર થયું હતું.

એ જ રીતે, 995 ટચનું સ્ટાન્ડર્ડ સોનું રૂ. 76,502ના પાછલા બંધ સામે સીધું જ રૂ. 77,000ની સપાટી વટાવીને રૂ. 77,022ના મથાળે ખૂલ્યું હતું અને અંતે દસ ગ્રામદીઠ રૂ. 598નો ઉછાલો નોંધાવીને રૂ. 77,100ની સપાટીએ સ્થિર થયું હતું. એ જ રીતે, .999 ટચની હાજર ચાંદી રૂ. 91,600ના પાછલા બંધ સામે રૂ. 91,935ની સપાટીએ ખૂલીને એક કિલાદીઠ રૂ. 683ના સુધારા સાથે રૂ. 92,283ની સપાટીએ ખૂલી હતી.
બજારના સાધનોએ જણાવ્યું હતું કે સવારના સત્રમાં સોનાની કિમત પહેલીવાર 77,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર કરી ગઈ છે.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (આઇબીજેએ)ના ડેટા અનુસાર, સવારના સત્રમાં સોનું રૂ. 522 મોંઘું થઈને રૂ. 77,332 બોલાયું હતું.

એે જ સમયે, ચાંદી 335 રૂપિયાના વધારા સાથે 91,935 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી હતી. આના એક દિવસ પહેલા ચાંદી 91,600 રૂપિયાના સ્તરે હતી. ચાંદીનો ઓલ-ટાઇમ હાઈ રૂ 94,280 પ્રતિ કિલો છે, જે આંકડો તેણે 29 મે 2024ના રોજ હાંસલ કર્યેો હતો.

સોનામાં વધારો રિસ્કી એસેટ્સના વળતરમાં અનિશ્ચિતતાને કારણે થઈ રહ્યો છે, જેના કારણે સોનું રોકાણકારો માટે આકર્ષક રોકાણ બની ગયું છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલ ભૌગોલિક રાજકીય તણાવ તેમજ વ્યાજદરમાં વધુ ઘટાડાની અપેક્ષા સોનાના ભાવમાં વધારાને ટેકો આપી રહી છે.
બુલિયન માર્કેટના સાધનો અનુસાર, આંતરરાષ્ટ્રીય ધોરણે સોનાના ભાવમાં થઇ રહેલો સતત વધારો, ઇરાન અને ઇઝરાયલની લશ્કરી અથડામણોને કારણે સર્જાયેલા ભૌગોલિક રાજકીય તણાવ, અમેરિકા, યુરોપ અને જાપાનમાં વ્યાજ દરોમાં તાજેતરમાં થયેલા ફેરફાર અને ભારત જેવા મુખ્ય બજારોની મજબૂત માગ સહિતના પરિબળોના સંયોજનને આભારી હોઈ
શકે છે.

વર્તમાન ગ્લોબલ વાતાવરણ, ઇઝરાયેલ પર ઈરાનના હુમલા જેવી ઘટનાઓને કારણે અનિશ્ચતતા દ્વારા ટ્રીગર મળતાં, સોનાના ભાવમાં વધારો થતો રહ્યો છે. રોકાણકારો સેપ હેવન ઇન્વેસ્ટમેન્ટ શોધવા માંડ્યા છે.

જોકે, મજબૂત યુએસ ડોલર અને ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં ઘટાડા માટેના સાવચેતીભર્યા અભિગમને કારણે સોનાની આગેકૂચ અંકુશમાં રાખી છે.
નિષ્ણાતોએ ધ્યાન દોર્યું હતું કે ભારતમાં આયાત-ડ્યુટી 15 ટકાથી ઘટાડીને છ ટકા કરવામાં આવી હોવાના કારણે સોનાની આયાતમાં નોંધપાત્ર વધારો થયો હતો, જે આ વર્ષે ઓગસ્ટ સુધીમાં ત્રણ ગણાથી વધુ વધીને 140 ટનના સ્તરે પહોંચી હતી. દિવાળી અને દશેરા અને લગ્નની મોસમ જેવા તહેવારો દરમિયાન મજબૂત મોસમી માગ સાથે સપ્લાયમાં વૃદ્ધિ થઇ રહી હોવા છતાં સ્થાનિક સોનાના ભાવ ઊંચા રહેવાની ધારણા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button