વેપાર અને વાણિજ્ય

સોનામાં રૂ. બાવીસની અને ચાંદીમાં 787ની પીછેહઠ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી પ્રમુખ જૉ બાઈડન ચૂંટણીની સ્પર્ધામાંથી ખસી જતા આજે વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલો ઘટાડો ઉપરાંત રાજકીય અનિશ્ચિતતા વચ્ચે સોનામાં સલામતી માટેની લેવાલી નીકળતા ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો.

જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે ખાસ કરીને ગત શુક્રવારના વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ તેમ જ સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયામાં ચાર પૈસા જેટલો સુધારો આવ્યો રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં ઘટાડો થવાથી સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. બાવીસની અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 787ની પીછેહઠ જોવા મળી હતી.

સૂત્રોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણ ઉપરાંત ઘટતી બજારે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પાંખી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 787 ઘટીને રૂ. 88,196ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં ગત શુક્રવારના વિશ્વ બજારનાં નિરુત્સાહી નિર્દેશો પશ્ચાત્‌‍ આજે જોવા મળેલા સુધારા અને ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ રહેતાં સોનાના ભાવ સાધારણ 10 ગ્રામદીઠ રૂ. બાવીસના ઘટાડા સાથે 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 72,925 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 73,218ના મથાળે રહ્યા હતા. જોકે, આવતીકાલે જાહેર થનારા અંદાજપત્રમાં સરકાર સોના પરની કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરે તેવી ધારણા હેઠળ આજે સ્ટોકિસ્ટો અને રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પાંખી રહી હોવાનું બજાર વર્તુળોએ ઉમેર્યું હતું.

ગત સપ્તાહે વૈશ્વિક સોનાના ભાવ ઐતિહાસિક ઊંચી સપાટી સુધી પહોંચ્યા બાદ પાછોતરા સપ્તાહમાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. જોકે, ગઈકાલે અમેરિકી પ્રમુખ જૉ બાઈડન આગામી ચૂંટણીની સ્પર્ધામાંથી ખસી જતાં રાજકીય અનિશ્ચિતતા સપાટી પર આવવાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સલામતી માટેની માગને ટેકે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.2 ટકા વધીને આૈંસદીઠ 2404.95 ડૉલર અને વાયદામાં ભાવ 0.3 ટકા વધીને 2406.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ વધુ 0.6 ટકા ઘટીને આૈંસદીઠ 29.09 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

હાલને તબક્કે રેટ કટનો આશાવાદ અને રાજકીય અનિશ્ચિતતાનો સોનાને ટેકો મળ્યો છે અને વર્ષ 2024ના અંત સુધીમાં સોનાના ભાવ નવી વિક્રમ સપાટીએ પહોંચે તેવી શક્યતા કેપિટલ ડૉટ કૉમનાં વિશ્લેષક ક્યેલ રોડ્ડાએ વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે જો અમેરિકા-ચીન વચ્ચેનું ટે્રડ વૉર ઉગ્ર બને તેવી શક્યતા છે અને જો અમેરિકાની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ ચૂંટાશે તો તેઓ વેપાર માટે સંરક્ષાત્મક નીતિ અપનાવે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા ફુગાવાલક્ષી દબાણ પણ વધતાં પણ સોનાની તેજીને ટેકો મળતો રહેશે. જોકે હવે રોકાણકારોની નજર આગામી શુક્રવારે જાહેર થનારા અમેરિકાના પર્સનલ ક્નઝ્મ્પશન એક્સપેન્ડિચરના ડેટા પર સ્થિર થઈ હોવાનું ટે્રડરોએ જણાવ્યું હતું.

વધુમાં વિશ્લેષકો જણાવે છે કે આગામી ગુરુવારે અમેરિકાનાં વર્ષ 2024ના બીજા ત્રિમાસિકગાળાના જીડીપીનાં ડેટાની જાહેરાત અને શુક્રવારે પર્સનલ ક્નઝ્મ્પશન એક્સપેન્ડિચર ડેટાની જાહેરાત બાદ અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી 30-31 જુલાઈની નીતિવિષયક બેઠકમાં સપ્ટેમ્બરથી રેટકટની શક્યતાઓ પર વિચારણા કરે તેવી શક્યતા નકારી ન શકાય.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…