વેપાર

સોનામાં 53નો ઘટાડો, ચાંદી 411ની તેજી સાથે 92,000ની પાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાનાં ફુગાવાનાં ડેટાની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હોવાના અહેવાલ હતા.

જોેકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 411ની તેજી સાથે રૂ. 92,000ની સપાટી કુદાવી ગયા હતા. જોકે, સોનામાં વિશ્વ બજારથી વિપરીત ઊંચા મથાળેથી નિરસ માગ રહેતાં ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 52થી 53નો ઘસરકો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મુખ્યત્વે .999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 411ના ઉછાળા સાથે રૂ. 92,000ની સપાટી કુદાવીને રૂ. 92,204ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં સ્ટોકિસ્ટો અને રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ પણ નિરસ રહેતાં 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 52 ઘટીને રૂ. 72,273ના મથાળે અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 53 ઘટીને રૂ. 72,563ના મથાળે રહ્યા હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

સામાન્યપણે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાત અંગેનાં નિર્ણયમાં ફુગાવાની વધઘટ ધ્યાનમાં રાખે છે અને આજે મોડી સાંજે અમેરિકાના જૂન મહિનાના ફુગાવાની ડેટાની જાહેરાત પર રોકાણકારોની નજર હોવાથી સાવચેતીનાં અભિગમ વચ્ચે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ 0.42 ટકા વધીને આૈંસદીઠ 2381.05 ડૉલર અને વાયદામાં ભાવ 0.27 ટકા વધીને 2378.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.59 ટકા વધીને આૈંસદીઠ 30.99 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

તાજેતરમાં અમેરિકી ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે તેનાં વક્તવ્યમાં જણાવ્યું હતું કે વ્યાજદરમાં કપાત માટે ફુગાવો બે ટકાની લક્ષ્યાંકિત સપાટી કરતાં નીચે જાય તે જરૂરી નથી પરંતુ, આર્થિક ડેટાઓ પણ પ્રોત્સાહક આવવા જરૂરી છે. આમ તેમના નિવેદનને ધ્યાનમાં લેતા બજારમાં સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કપાતની શક્યતા પ્રબળ બનતા સોનાના સુધારાને ટેકો મળ્યો છે.

જોકે, અમુક અંશે કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલીને ટેકે સોનાના ભાવમાં સુધારો આગળ ધપે તેવી શક્યતા ટીડી સિક્યોરિટીઝનાં એક વિશ્લેષકે વ્યક્ત કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button