ચાંદીમાં ₹ ૧૨૮નો સુધારો, સોનામાં ₹ ૮૦ની પીછેહઠ
મુંબઈ: અમેરિકા ખાતે વ્યાજદરમાં કપાત માટે નિર્ણાયક ગણાતા ફેબ્રુઆરી મહિનાના ફુગાવાની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે સોનાના ભાવમાં નરમાઈનું વલણ અને ચાંદીના ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાના નિર્દેશો હતા. જોકે સ્થાનિક ઝવેરી બજારમાં આજે વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૦ની સાધારણ પીછેહઠ જોવા મળી હતી. જોકે, ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. ૧૨૮નો સુધારો આગળ ધપ્યો હતો. આજે સ્થાનિકમાં મુખ્યત્વે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૨૮ના સુધારા સાથે રૂ. ૭૨,૬૭૫ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી પણ નિરસ રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૦ના ઘટાડા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૫,૩૦૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૫,૫૬૬ના મથાળે રહ્યા હતા.