વેપાર

અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે સોનામાં થાક ખાતી તેજી

સ્થાનિક સોનામાં 691નો ચમકારો, ચાંદીમાં 264ની આગેકૂચ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકા ખાતે આવતીકાલે જાહેર થનારા ફેબ્રુઆરી મહિનાના ફુગાવાના ડેટાની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સોનામાં તેજી થાક ખાતી હોય તેમ સત્રના આરંભે હાજર ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે વાયદામાં ધીમો ઘટાડો આવ્યો હતો. ચાંદીમાં પણ સાંકડી વધઘટે ટકેલું વલણ રહ્યું હતું.
જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશન ગત શુક્રવારે સત્તાવાર ધોરણે મહાશીવરાત્રી નિમિત્તે બંધ રહ્યા બાદ આજે સોનાના ભાવ ગત ગુરુવારના બંધ ભાવની સરખામણીમાં 10 ગ્રામદીઠ રૂ. 688થી 691ના ઉછાળા સાથે ફરી રૂ. 65,000ની સપાટી કુદાવી ગયા હતા. તેમ જ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 282નો સુધારો આગળ ધપ્યો હતો. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને સોનામાં ગત શુક્રવારે વૈશ્વિક બજારમાં ઉછાળો આવ્યાના નિર્દેશોને ધ્યાનમાં લેતાં 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 688ના ઉછાળા સાથે રૂ. 65,383 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 691 ઉછળીને રૂ. 65,646ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ ખપપૂરતી મર્યાદિત રહી હતા. તેમ જ ભાવ એકંદરે ઊંચી સપાટીએ હોવાથી જૂના સોનામાં વેચવાલીનું પ્રેશર તથા જૂના આભૂષણો સામે નવાં આભૂષણોની લેવાલીનું પ્રમાણ વધુ રહ્યું હતું. વધુમાં આજે .999 ટચ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી હતી તેમ છતાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવ કિલોદીઠ રૂ. 282ના સુધારા સાથે રૂ. 72,547ના મથાળે રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા આગામી જૂન મહિનાથી વ્યાજદરમાં કપાતની શરૂઆત થાય તેવી શક્યતા પ્રબળ બનતાં ગત સપ્તાહ દરમિયાન સોનાના વૈશ્વિક ભાવમાં સાડા ત્રણ વર્ષનો સૌથી મોટો ઉછાળો નોંધાઈ ગયા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે મુખ્યત્વે ગત ફેબ્રુઆરી મહિનાના અમેરિકાના ફુગાવાના ડેટાની જાહેરાત પૂર્વે રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવતા હાજર અને વાયદામાં સોનાના ભાવ અનુક્રમે આૈંસદીઠ 2179.97 ડૉલર અને 2186.70 ડૉલરમાં ભાવ આૈંસદીઠ 2176.30 ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા અને વાયદામાં ભાવ 0.1 ટકાના સાધારણ ઘટાડા સાથે 2183.20 ડૉલર ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ આસપાસ આૈંસદીઠ 24.30 ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા. હાલના તબક્કે વૈશ્વિક બજારમાં સોનામાં સટ્ટોડિયાઓની લેણની પોઝિશનમાં વધારો જોવા મળ્યો છે અને ગત પાંચમી માર્ચના રોજ પૂરા થયેલા સપ્તાહે ઊભા ઓળિયા જે આગલા સપ્તાહે 63,018 હતા તે વધીને 1,31,060ની સપાટીએ પહોંચ્યા હોવાનું સિટી ઈન્ડેક્સના વિશ્લેષક મેટ્ટ સિમ્પસને જણાવતાં ઉમેર્યું હતું કે જો અમેરિકા ખાતે ફુગાવામાં ઘટાડો જોવા મળશે તો સોનામાં તેજી આગળ ધપે તેવી શક્યતા નકારી ન શકાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button