વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ધાતુમાં આગળ ધપતો સુધારો

મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાત ઉપરાંત ધાતુના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન સ્ટિમ્યુલસ પગલાંની જાહેરાત કરે તેવા આશાવાદ સાથે આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે કોપર સહિતની ચોક્કસ ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિકમાં એકમાત્ર એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય તમામ ધાતુઓમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી ૨૦ સુધીનો સુધારો આગળ ધપ્યો હતો. આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે ખાસ કરીને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ તેમ જ આર્થિક વૃદ્ધિ માટે ચીન સ્ટિમ્યુલસ પેકેજની જાહેરાત કરે તેવા આશાવાદ સાથે કોપરના એક મહિને ડિલિવરી શરતે ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪ ટકા વધીને ટનદીઠ ૯૪૨૫.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
નોંધનીય બાબત એ છે કે આવતીકાલે પીપલ્સ બૅન્ક ઑફ ચાઈના તેની બેઠકમાં બૅન્ચમાર્ક દર જાળવી રાખે તેવી શક્યતા છે, પરંતુ આર્થિક મંદ સ્થિતિને ધ્યાનમાં લેતા એલપીઆરના દરમાં વધુ કાપ મૂકે તેવી શક્યતા બજાર વર્તુળો જોઈ રહ્યા છે. દરમિયાન આજે સ્થાનિકમાં મુખ્યત્વે ટીન, કોપર વાયરબાર અને નિકલમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. ૨૦ વધીને રૂ. ૨૭૫૧, રૂ. ૧૨ વધીને રૂ. ૮૫૫ અને રૂ. ૧૦ વધીને રૂ. ૧૩૯૩ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે અન્ય ધાતુઓ જેમાં સ્ટોકિસ્ટો, વપરાશકાર ઉદ્યોગ અને સ્થાનિક ડીલરોની છૂટીછવાઈ લેવાલીને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં કોપર કેબલ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. આઠ વધીને રૂ. ૮૦૩, કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને રૂ. ૭૯૩, કોપર આર્મિચર અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. ચાર વધીને અનુક્રમે રૂ. ૭૭૯ અને રૂ. ૨૪૧, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને અનુક્રમે રૂ. ૭૨૮ અને રૂ. ૫૬૨, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને રૂ. ૫૨૫ અને ઝિન્ક સ્લેબ તથા લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. એક વધીને અનુક્રમે રૂ. ૨૭૩ અને રૂ. ૧૯૧ના મથાળે રહ્યા હતા. જોકે, આજે એકમાત્ર એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં છૂટીછવાઈ વપરાશકાર ઉદ્યોગની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૯૪ના મથાળે ટકેલા રહ્યા હતા.