વેપાર

વૈશ્વિક ચાંદી વિક્રમ સપાટીએ પહોંચતા સ્થાનિકમાં રૂ. 10,821નો ઝડપી ઉછાળો, ભાવ 1.75 લાખની પાર, સોનું રૂ. 2209 ઝળક્યું

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી 9-10 ડિસેમ્બરની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા પ્રબળ બનતાં ડૉલર ઈન્ડેક્સ બે સપ્તાહની નીચે ક્વૉટ થઈ રહ્યો હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભમાં હાજરમાં સોનાના ભાવ 0.6 ટકા ઉછળીને છ સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ 2.2 ટકા ઉછળીને નવી ટોચે ક્વૉટ થઈ રહ્યાના પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ખાસ કરીને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 1.75 લાખની સપાટી પાર કરી ગયા હતા, જ્યારે સોનામાં 10 ગ્રામદીઠ રૂ. 2200થી 2209નો ચમકારો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને 999 ટચ ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 10,821ની તેજી સાથે રૂ. 1,75,180ના મથાળે બંધ રહ્યા હતા. જોકે, આજે જોવા મળેલી આગઝરતી તેજીમાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હતી. વધુમાં આજે વિશ્વ બજાર પાછળ સોનામાં પણ તેજીનું વલણ જળવાઈ રહેતાં હાજરમાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 2200 વધીને રૂ. 1,28,284 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 2209 વધીને રૂ. 1,28,800ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં ઝડપી તેજીનું વલણ રહેતાં આજે જ્વેલરી ઉત્પાદકો, સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. તેમ જ રિટેલ સ્તરની લગ્નસરાની માગ પણ છૂટીછવાઈ જોવા મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આ પણ વાંચો: વૈશ્વિક ચાંદીમાં પુરવઠાખેંચ સામે પ્રબળ માગે સપ્તાહના અંતે 6.1 ટકાનો ઝડપી ઉછાળો

આજે લંડન ખાતે સત્રના આરંભે રેટકટના આશાવાદ હેઠળ હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.6 ટકા વધીને છ સપ્તાહની ઊંચી આૈંસદીઠ 4255.04 ડૉલરની સપાટી આસપાસ અને ફેબ્રુઆરી વાયદામાં ભાવ 0.8 ટકા વધીને 4290.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 2.2 ટકાના ઉછાળા સાથે આૈંસદીઠ 57.63 ડૉલરની નવી ટોચે ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.

એક તરફ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ અને ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલનાં અનુગામી વ્હાઈટ હાઉસના આર્થિક સલાહકાર કેવિન હૅઝેટ હળવી નાણાનીતિની તરફેણ કરે તેવી શક્યતા પ્રબળ હોવાથી સોના અને ચાંદીની તેજીને વધુ ટેકો મળ્યો હોવાનું યુબીએસના વિશ્લેષક ગિઓવન્ની સ્ટુનોવોએ જણાવતા ઉમેર્યું હતું કે ફેડરલની અપેક્ષિત હળવી નાણાનીતિને ધ્યાનમાં લેતા આગામી વર્ષ સોના અને ચાંદીના ભાવ વધીને અનુક્રમે આૈંસદીઠ 4500 ડૉલર અને 60 ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય.

તાજેતરમાં ન્યૂયોર્ક ફેડના ગવર્નર ક્રિસ્ટોફર વૉલર સહિતનાં ઘણાં નીતિઘડવૈયાઓએ આગામી ડિસેમ્બરની બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરી હોવાથી આજે સીએમઈ ફેડવૉચ ટૂલ પર ટ્રેડરો રેટ કટની 88 ટકા શક્યતા મૂકી રહ્યા છે.

જોકે, હાલમાં રોકાણકારોની નજર બુધવારે જાહેર થનારા અમેરિકાના રોજગારીના અને શુક્રવારે જાહેર થનારા પર્સનલ ક્નઝમ્પશન એક્સપેન્ડિચરના ડેટા પર સ્થિરિ થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button