બે દિવસીય ગ્લોબલ રાઈસ કોન્ફરન્સનાં પહેલા દિવસે રૂ. 25,000 કરોડના કોન્ટ્રાક્ટઃ આઈઆરઈએફ...
વેપાર

બે દિવસીય ગ્લોબલ રાઈસ કોન્ફરન્સનાં પહેલા દિવસે રૂ. 25,000 કરોડના કોન્ટ્રાક્ટઃ આઈઆરઈએફ…

નવી દિલ્હીઃ ગઈકાલ તા. 30મી ઑક્ટોબરથી અત્રે શરૂ થયેલી બે દિવસીય ગ્લોબલ રાઈસ કોન્ફરન્સ (ચોખાના વૈશ્વિક પરિસંવાદ)નાં પહેલા જ દિવસે અંદાજે રૂ. 25,000 કરોડનાં કોન્ટ્રાક્ટ થયા હોવાનું ચોખાની નિકાસકાર સંસ્થા ઈન્ડિયન રાઈસ એક્સપોર્ટર્સ ફેડરેશને જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ફેડરેશન દ્વારા 30-31 ઑક્ટોબરના રોજ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભારત ઈન્ટરનેશનલ રાઈસ કોન્ફરન્સ (બીઆઈઆરસી)2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસી કોન્ફરન્સમાં 10,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો

જેમાં દેશભરના અંદાજે 3000 ખેડૂતો પણ સહભાગી થયા હોવાનું ફેડરેશનનાં પ્રમુખ પ્રેમ ગર્ગે પીટીઆઈને પરિસંવાદના પ્રથમ દિવસના અંતે પીટીઆઈને જણાવતા ઉમેર્યું હતું કે આ પ્રસંગે 80 કરતા વધુ દેશોનાં ખરીદદારોએ ભાગ લીધો હતો. એકંદરે ભારતીય ખેડૂતો અને ટ્રેડરો ખરીદદારો સાથે સીધા જોડાઈ શકે તે માટે આ પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે.

વેપારની દૃષ્ટિએ આ પરિસંવાદને કેવો પ્રતિસાદ મળ્યો તેવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે અમારા સાંભળ્યા અનુસાર પરિસંવાદના પ્રથમ દિવસે જ અંદાજે રૂ. 25,000 કરોડનાં કોન્ટ્રાક્ટ થયા છે. આ આયોજનને અપેડા (એગ્રિકલ્ચરલ ફૂડ ઍન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ ડેવલોપમેન્ટ ઑથૉરિટી) એ બિન નાણાકીય ટેકો આપ્યો છે. તેમ જ આ પ્રસંગે ચોખાના વૈશ્વિક આયાતકારો, નિકાસકારો, વૈજ્ઞાનિકો, અને નીતિ ઘડવૈયાઓ સહિત 80 દેશનાં પ્રતિનિધિઓ એક છત્ર હેઠળ આવ્યા છે.

બીઆઈઆરસી 2025ની વિશેષ બાબત એ હતી કે વિવિધ રાજ્યોના 17 ખેડૂતોનું આંતરરાષ્ટ્રીય ખરીદદારો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે ચોખાના વાવેતરમાં ગુણવત્તા, નવીનતા, ટકાઉપણું અને તેનાં યોગદાનને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત નાણાકીય વર્ષ 2024-25માં ભારતે 172 કરતાં વધુ દેશોમાં 12.95 અબજ ડૉલરના મૂલ્યના 2.01 કરોડ ટન ચોખાની નિકાસ કરી હતી.

વધુમાં આ કાર્યક્રમમાં દેશની સૌપ્રથમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) આધારિત ચોખાની છટણીની પ્રણાલીનો આરંભ થયો હતો. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને બીગ ડેટા દ્વારા સંચાલિત નવી યંત્રણામાં વારાફરતી ચોખાના દાણાનો રંગ, કદ, આકાર અને ધાનની બાંધણીની રચનાનું વિશ્લેષણ કરી શકે છે. આ યંત્રણા વીજ વપરાશ અને માનવબળ ઘટાડીને ચોકસાઈ તથા કાર્યક્ષમતા પ્રદાન કરે છે, એકંદરે આ પગલું ભારતની કૃષિ પ્રક્રિયા ક્ષેત્રે મોટી છલાંગ દર્શાવે છે, એમ ગર્ગે ઉમેર્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button