વિશ્વ બજાર પાછળ ધાતુમાં જળવાતું ઑલ ફોલ ડાઉન…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે પસંદ કરેલા ફેડરલ રિઝર્વનાં નવાં ગવર્નર કૅવિન વાર્શ તંગ નાણાનીતિ અપનાવે તેવી ભીતિ સપાટી પર આવતા ગઈકાલે વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓ સહિત કોપર જેવી અન્ય ધાતુઓના ભાવમાં કડાકા બોલાઈ ગયાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ આજે માત્ર એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને લીડ ઈન્ગોટ્સમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં અન્ય તમામ ધાતુઓમાં ઑલ ફોલ ડાઉન જળવાઈ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. નવથી 50 સુધીનો ઘટાડો નોંધાયો હતો. જોકે, આજે સતત બીજા સત્રમાં પણ ભાવઘટાડાનું વલણ જળવાઈ રહ્યું હોવાથી વધુ ભાવઘટાડાના આશાવાદે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની લેવાલી પણ પાંખી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અત્રે નોંધનીય બાબત એ છે કે ગત ગુરુવારે લંડન ખાતે કોપરના ભાવ જે વધીને ટનદીઠ 14,527.50 ડૉલરની ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચ્યા હતા તે શુક્રવારે ગગડી ગયા હતા અને આગલા બંધ સામે 1.1 ટકાના ઘટાડા સાથે ટનદીઠ 13,465 ડૉલર આસપાસના મથાળે રહ્યા હતા. તેમ જ અન્ય ધાતુઓમાં પણ ઘટાડાતરફી વલણ રહ્યું હતું.
આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ધાતુ બજારમાં પણ સાર્વત્રિક સ્તરેથી સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ વધતાં ભાવઘટાડો આગળ ધપ્યો હતો. જેમાં નિકલના ભાવ કિલોદીઠ રૂ. 50 ઘટીને રૂ. 1637, કોપર કેબલ સ્ક્રેપ અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. 36 ઘટીને અનુક્રમે રૂ. 1220 અને રૂ. 1275, કોપર આર્મિચરના ભાવ કિલોદીઠ રૂ. 35 ઘટીને રૂ. 1200, કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. 34 ઘટીને રૂ. 1210, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. 25 ઘટીને રૂ. 1120, બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. 20 ઘટીને અનુક્રમે રૂ. 720 અને રૂ. 318, ટીનના ભાવ કિલોદીઠ રૂ. 17 ઘટીને રૂ. 4900, બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. 15 ઘટીને રૂ. 820 અને ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. નવ ઘટીને રૂ. 327ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે માત્ર એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને લીડ ઈન્ગોટ્સમાં છૂટીછવાઈ ઔદ્યોગિક વપરાશકારોની માગ જળવાઈ રહેતાં ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. 240 અને રૂ. 198ના મથાળે ટકેલા રહ્યા હતા.



