સોનાના ભાવમાં તેજી, ચાંદીમાં ઘટાડોઃ મુંબઈ ઝવેરી બજારના આજના લેટેસ્ટ રેટ જાણો
સ્થાનિકમાં સોનાએ રૂ. 669ની તેજી સાથે રૂ. 85,000ની સપાટી કુદાવી, ચાંદીમાં રૂ. 451નો પ્રત્યાઘાતી ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ આજે (સોમવારે) સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ટેરિફ લાદવાની જાહેરાત કરવાની યોજના ધરાવે છે એવા અહેવાલો સાથે આજે વૈશ્વિક બજારમાં ટ્રેડ વૉર છેડાઈ જવાની ભીતિ સપાટી પર આવતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ 1.2 ટકા જેટલા અને ચાંદીના ભાવ એક ટકો ઉછળી આવ્યાના નિર્દેશો હતા. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 50 પૈસા ગબડી ગયો હોવાથી સોનાની આયાત પડતરોમાં વધારો થવાથી સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 665થી 669 ઉછળી આવ્યા હતા અને ભાવ રૂ. 85,000ની સપાટી કુદાવી ગયા હતા. જોકે, ગત શુક્રવારે સ્થાનિકમાં ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 629નો ઉછાળો આવી ગયો હોવાથી આજે ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. 451નો ઘટાડો આવ્યો હોવાથી સોના અને ચાંદીમાં સામસામા રાહ જોવા મળ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની પણ ઊંચા મથાળેથી લેવાલી મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 451ના ઘટાડા સાથે રૂ. 94,940ના મથાળે રહ્યા હતા. જોકે, આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત રૂપિયાની નબળાઈને ટેકે ભાવમાં તેજીનું વલણ જળવાઈ રહેતા 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 665 વધીને રૂ. 85,026 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 669 વધીને રૂ. 85,368ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે લંડન ખાતે સત્રના આરંભે વૈશ્વિક સ્તરે ટ્રેડ વૉરની ભીતિ હેઠળ બન્ને કિંમતી ધાતુઓમાં રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે ભાવમાં તેજીનો અન્ડરટોન રહ્યો હતો. આજે એક તક્ક્કે હાજરમાં સોનાના ભાવ વધીને આૈંસદીઠ 2896.35 ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા બાદ આગલા બંધ સામે 1.2 ટકા વધીને 2895.38 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા અને વાયદામાં ભાવ 1.2 ટકા વધીને આૈંસદીઠ 2920.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે એક ટકો વધીને આૈંસદીઠ 32.14 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ટ્રમ્પના નવાં ટેરિફની જાહેરાતો ફુગાવા વૃદ્ધિલક્ષી અને વૃદ્ધિની ચિંતા કરાવે તેવી હોવાથી સલામતી માટેની માગને ટેકે સોનાના ભાવ ઉછળી રહ્યા છે અને આૈંસદીઠ 3000 ડૉલરની સપાટી તરફ વધી રહ્યા હોવાનું યુબીએસનાં વિશ્લેષક ગિઓવન્ની સ્ટેનુવોએ જણાવ્યું હતું. અત્રે નોંધનીય બાબત એ છે કે ટ્રમ્પે ગત સપ્તાહના અંતે જણાવ્યું હતું કે તેઓ સોમવારે સ્ટીલ અને એલ્યુમિનિયમની તમામ આયાત સામે 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરશે તેમ જ આગામી મંગળવાર કે બુધવારે તાત્કાલિક ધોરણે અમલી બને તેમ રેસિપ્રોકલ ટેરિફ (અન્ય દેશોની સમકક્ષ ડ્યૂટી) અથવા તો જેવા સાથે તેવાની નીતિ અપનાવીને ટેરિફ લાદવાની જાહેરાત કરશે.
આમ ટ્રમ્પનાં આ નિવેદનને પગલે બજારમાં ટેરિફ વૉરની ભીતિ સપાટી પર આવી છે અને સોનામાં એકતરફી તેજીનો માહોલ જોવા મળી રહ્યો હોવાનું એએનઝેડ બૅન્કના સ્ટ્રેટેજિસ્ટ ડેનિયલ હેઈન્સે જણાવ્યું હતું.
વધુમાં ફેડરલ રિઝર્વનાં અધિકારીઓએ ગત શુક્રવારે જણાવ્યું હતું કે ટ્રમ્પની નીતિઓની અર્થતંત્ર પર કેવી અસર પડશે તેની અસ્પષ્ટતાઓના અભાવનો સામનો કરી રહ્યા છીએ અને રોજગાર ક્ષેત્રે મજબૂત વલણ જોવા મળ્યું હોવા છતાં ફુગાવો હજુ ઊંચી સપાટીએ હોવાથી અમને વ્યાજદરમાં કપાત કરવાની કોઈ ઉતાવળ નથી, એમ તેમણે ઉમેર્યું હતું.