ડૉલરમાં નરમાઈ અને મધ્ય પૂર્વના તણાવ વચ્ચે વૈશ્ર્વિક સોનામાં તેજીની આગેકૂચ
લંડન: આંતરરાષ્ટ્રીય સ્તરે મધ્ય પૂર્વના દેશોમાં વધેલા તણાવ ઉપરાંત ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પીછેહઠ જોવા મળતાં આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે સોના અને ચાંદીના ભાવમાં તેજી આગળ ધપી હતી. જેમાં સોનાના ભાવ ઔંસદીઠ ૨૪૦૦ ડૉલરની નજીક પહોંચ્યા હતા અને ચાંદીના ભાવમાં ૧.૪ ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. જોકે, સ્થાનિકમાં આજે રામનવમીની જાહેર રજા હોવાથી ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશન દ્વારા આજે ભાવની સત્તાવાર જાહેરાત નહોંતી કરવામાં આવી.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા વધીને ઔંસદીઠ ૨૩૮૮.૫૬ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના વધ્યા મથાળેથી ૦.૧ ટકાના ઘટાડા સાથે ૨૪૦૪.૯૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૧.૪ ટકાની તેજી સાથે ઔંસદીઠ ૨૮.૪૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ટૅક્નિકલ દૃષ્ટિએ હાલ કિંમતી ધાતુઓમાં ઓવરબોટ પોઝિશન છે અને અમેરિકા લાંબા સમય સુધી તંગ નાણાનીતિ જાળવી રાખે તેવી શક્યતા હોવા છતાં તેજીના ખેલાડીઓને રાજકીય-ભૌગોલિક તણાવનો ટેકો મળી રહ્યો હોવાનું એફએક્સટીએમનાં વરિષ્ઠ એનાલિસ્ટ લુકમન ઑટુંગાએ જણાવ્યું હતું. હાલમાં બજાર વર્તુળો ખાસ કરીને મધ્ય પૂર્વના દેશોમાં ઈરાને કરેલા હુમલાનો ઈઝરાયલ કેવો પ્રતિસાદ આપે છે તેના પર બારીકાઈથી નજર માંડીને બેઠા છે. જોકે, અમેરિકા અને તેના સહયોગી રાષ્ટ્રો ઈરાન પર પ્રતિબંધો મૂકવાની યોજના ઘડી રહ્યા છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે હાલ સોના અને ડૉલર તથા ટ્રેઝરીની યિલ્ડ વચ્ચે કોઈ સંબંધ નથી અથવા તો તેની થોડી માત્રમાં જ અસર જોવા મળે છે.