વૈશ્ર્વિક સોનું એક ટકો ઉછળતાં સ્થાનિકમાં ₹ ૪૪૮નો ચમકારો, ચાંદી ₹ ૨૨૭ વધી
મુંબઈ: અમેરિકાના પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સ્પેન્ડિચર ડેટાની જાહેરાત પૂર્વે રોકાણકારોના સાવચેતીના અભિગમ હોવા છતાં આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ૧.૧ ટકા જેટલો ઉછાળો આવ્યો હોવાના નિર્દેશ હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૪૬થી ૪૪૮નો ચમકારો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ૩૨ પૈસાનું બાઉન્સબૅક જોવા મળ્યું હોવાથી સોનાની આયાત પડતરો ઘટવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં સુધારો મર્યાદિત રહ્યો હતો. વધુમાં આજે વિશ્ર્વ બજારમાં ચાંદીના ભાવમાં ધીમો સુધારો આગળ ધપ્યો હોવાથી સ્થાનિકમાં પણ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૨૨૭નો સુધારો આગળ વધ્યો હતો. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો, પરંતુ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૨૭ વધીને રૂ. ૭૪,૨૭૯ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્થાનિકમાં મધ્યસત્ર પશ્ર્ચાત્ ભાવમાં તેજીનો અન્ડરટોન જોવા મળ્યો હતો, જેમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૪૬ના ઉછાળા સાથે રૂ. ૬૬,૪૪૯ના મથાળે અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૪૪૮ વધીને રૂ. ૬૬,૭૧૬ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ડૉલર સામે રૂપિયો ૩૨ પૈસા ઉછળી આવ્યો હોવાથી સોનાની આયાત પડતર વધવાથી મોટી તેજી અટકી હોવાનું સૂત્રોએ જણાવતાં ઉમેર્યું હતું કે આજની તેજીના માહોલમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ પણ અત્યંત નિરસ રહી હતી.
આ સપ્તાહના અંતે અમેરિકાનાં પર્સનલ ક્ધઝમ્પશન એક્સ્પેન્ડિચર (પીસીઈ) ડેટાની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવ્યું હોવા થતાં આજે ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૧.૧ ટકાની તેજી સાથે ઔંસદીઠ ૨૧૯૬.૨૧ ડૉલર અને ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૨૪.૭૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ડૉલર ઈન્ડેક્સની નરમાઈને કારણે આજે સોનાના વૈશ્ર્વિક ભાવમાં તેજીનું વલણ જોવા મળ્યું હોવાનું એક વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે આગામી પીસીઆઈ ડેટા ફેડરલના વ્યાજદર કપાતનો અણસાર આપે તેમ હોવાથી રોકાણકારોએ સાવચેતી અપનાવી છે. આગામી સમયગાળામાં ડૉલર ઈન્ડેક્સમાં બાઉન્સબૅક થતાં સોનામાં પીછેહઠ જોવા મળી શકે છે. જોકે, વિસ્ડમ ટ્રીના વિશ્ર્લેષક નિતેશ શાહે જણાવ્યું હતું કે જ્યાં સુધી ફેડરલ રિઝર્વ દ્વારા રેટ કટ અંગેની કોઈ સ્પષ્ટતા નહીં આવે ત્યાં સુધી સોનાના વૈશ્ર્વિક ભાવ વિક્રમ સપાટીએ પહોંચે તેવી શક્યતા નથી, જોકે વર્ષ ૨૦૨૫નાં પહેલા ત્રિમાસિકગાળામાં સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૨૩૫૦ ડૉલની ટોચે પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય.