વેપાર અને વાણિજ્ય

પાછોતરા સપ્તાહમાં ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં વૈશ્ર્વિક સોનું ગબડતું અટક્યું

ચીનમાં સોનામાં તંગ પુરવઠો, આયાત નિયંત્રણો અને પ્રબળ માગથી પ્રીમિયમ ઊંચી સપાટીએ રહેશે

કોમોડિટી -રમેશ ગોહિલ

ગત સપ્તાહના મધ્ય સુધી ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરની યિલ્ડમાં મજબૂત વલણ રહેતાં સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. જોકે, ત્યાર બાદ અમેરિકાના ઑગસ્ટ મહિનાના ફુગાવામાં બજારની અપેક્ષા કરતાં વધુ વૃદ્ધિ તેમ જ તાજેતરમાં ક્રૂડતેલના ભાવમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં લેતાં ભવિષ્યમાં ફુગાવામાં વધારાની શક્યતા જોતા ફેડરલ રિઝર્વ આગામી ઑક્ટોબર-નવેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી ભીતિ સપાટી પર આવી હતી. જોકે, તેની સામે ચીનનાં ઑગસ્ટ મહિનાના ફેક્ટરી આઉટપૂટ અને રિટેલ વેચાણના ડેટા પ્રોત્સાહક આવતાં યૅન સામે ડૉલર ઈન્ડેક્સ નબળો પડ્યો હતો અને ટ્રેઝરીની યિલ્ડમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળતાં વૈશ્ર્વિક સોનાને જીવતદાન મળ્યું હોય તેમ ઔસદીઠ ૧૯૦૦ ડૉલર આસપાસની સપાટીએથી પાછું ફર્યું હતું અને બે મહિના પછી ભાવમાં સાપ્તાહિક ધોરણે ૦.૩ ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો.

આમ ગત સપ્તાહે વૈશ્ર્વિક ડૉલર ઈન્ડેક્સ અને સોનામાં બેતરફી વધઘટ રહેતાં સ્થાનિક ઝવેરી બજારમાં પણ બે તરફી વધઘટ જોવા મળી હતી. જોકે, ગત સપ્તાહે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સપ્તાહ દરમિયાન ૧૪ પૈસા નબળો પડતા સોનાની આયાત પડતર વધવાથી વિશ્ર્વ બજારથી વિપરીત ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૫૫ અથવા તો ૦.૨૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે સ્થાનિકમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત આઠમી સપ્ટેમ્બરના ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૯,૧૭૧ના બંધ સામે સપ્તાહની નીચી રૂ. ૫૮,૧૬૦ની સપાટીએ ખૂલ્યા હતા, જ્યારે સપ્તાહ દરમિયાન ઉપરમાં રૂ. ૫૯,૧૯૯ની સપાટી દર્શાવ્યા બાદ અંતે સાપ્તાહિક ધોરણે ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૫૫ના ઘટાડા સાથે રૂ. ૫૯,૦૧૬ના મથાળે બંધ રહ્યા હતા. તાજેતરમાં સોનાના ભાવ અંગે કોઈ નિશ્ર્ચિત વલણ જોવા ન મળતું હોવાથી ટ્રેડરો અને જ્વેલરી ઉત્પાદકો સહિત રોકાણકારો પણ અવઢવમાં મૂકાઈ ગયા હોવાથી તેમ જ અમુક વર્ગ સોનામાં હજુ ભાવઘટાડો આવે તેવું માની રહ્યા હોવાથી સપ્તાહ દરમિયાન વેપારો નિરસ રહ્યા હતા. આમ નિરસ માગને કારણે સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ આઠ ડૉલર જેવાં ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવતાં ઉમેર્યું હતું કે આ પૂર્વેના સપ્તાહે ડીલરો ઔંસદીઠ પાંચ ડૉલર ડિસ્કાઉન્ટ ઑફર કરતાં હતાં.

જોકે, ભારતથી વિપરીત સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે ડૉલર સામે યુઆનમાં જોવા મળેલા ઘસારા અને પીપલ્સ બૅન્ક ઑફ ચાઈનાની સોનું આયાત કરવા માટેના ક્વૉટાની જાહેરાતના અભાવ વચ્ચે પ્રીમિયમમાં ઉછાળો આવ્યો હતો. ગ્રેટર ચાઈના સ્થિત એમકેએસ પીએએમપીનાં રિજિનલ ડિરેક્ટર બર્નાર્ડ સિને જણાવ્યું હતું કે આગલા સપ્તાહે ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની તુલનામાં ઔંસદીઠ પંચાવન ડૉલર પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હતા, જ્યારે ગત સપ્તાહે પ્રીમિયમ વધીને ઔંસદીઠ ૯૦થી ૧૩૫ ડૉલરની સપાટી સુધી પહોંચ્યું હતું. જો કેન્દ્રવર્તી બૅન્ક આયાત ક્વૉટાની જાહેરાત નહીં કરે તો ચીનમાં પ્રીમિયમ વધીને ૨૦૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા પણ તેમણે વ્યક્ત કરી હતી. અન્ય એક વિશ્ર્લેષકે જણાવ્યું હતું કે ચીનમાં તંગ પુરવઠો, આયાત નિયંત્રણો અને પ્રબળ માગને કારણે પ્રીમિયમની ઊંચી સપાટી જળવાયેલી રહેશે.

અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતાઓ વચ્ચે આગામી સપ્તાહે વૈશ્ર્વિક સોનાના ભાવ દબાણ હેઠળ રહેવાની શક્યતા છે. જોકે, તાજેતરમાં જાહેર થયેલા આર્થિક ડેટાઓ મંદીની ગતિ મંદ પડી રહી હોવાના સંકેત આપી રહ્યા હતા. તેમ જ આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે ચીનની પીપલ્સ બૅન્ક ઑફ ચાઈના વધુ હળવી નાણાનીતિ અપનાવે અને પ્રવાહિતા વધારે તેવી શક્યત જોતાં વૈશ્ર્વિક સોનાને થોડાઘણાં અંશે ટેકો મળતો રહેશે, એમ એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે અમારા મતે આગામી સપ્તાહે સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૧૮૮૦થી ૧૯૪૫ ડૉલર આસપાસની રેન્જમાં અને સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૫૭,૫૦૦થી ૫૯,૦૦૦ની રેન્જમાં રહે તેવી શક્યતા જણાય છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે તાજેતરમાં ચીનની કેન્દ્રવર્તી બૅન્કે તાજેતરમાં બૅન્કો માટેનાં કેશ રિઝર્વ રેશિયોમાં ૦.૨૫ ટકાનો ઘટાડો કર્યો હોવાથી ચીન ખાતે માગ પ્રોત્સાહિત થશે, એમ જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે બીજી તરફ અમેરિકામાં પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ અને રિટેલ વેચાણના ડેટા બજારની અપેક્ષા કરતાં સારાં આવ્યા હોવાથી અમેરિકા ખાતે ઊંચા વ્યાજદર લાંબા સમયગાળા સુધી જળવાઈ રહે તેવાં સંકેત આપ્યા હતા. તેમ જ ઑગસ્ટ મહિનાના ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ પણ વધી આવતાં વ્યાજદરમાં વધારાની ચિંતા સપાટી પર આવી હતી. વધુમાં યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે વ્યાજદર ચાર ટકાની વિક્રમ સપાટી સુધી વધાર્યા બાદ આ છેલ્લો વધારો હોવાનાં પણ સંકેત આપ્યા છે.

દરમિયાન ગત સપ્તાહના અંતે શુક્રવારે ડેટ્રોઈટ ખાતની ત્રણ ઑટો ઉત્પાદક કંપનીઓમાં યુનાઈટેડ ઑટો વર્કર યુનિયને હડતાળની જાહેરાત કરી હોવાથી તેમ જ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો સ્થગિત કરે તેવી શક્યતા સાથે સોનામાં સલામતી માટેની માગને ટેકે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર હાજરમાં અને ભાવ આગલા બંધ સામે ૦.૭ ટકા વધીને અનુક્રમે ઔંસદીઠ ૧૯૨૪.૨૭ ડૉલર અને ૧૯૪૬.૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં ઈન્ટ્રા ડેમાં વિશ્ર્વના મુખ્ય ચલણો સામે ડૉલર ૦.૨ ચરા જેટલો નબળો પડ્યો હોવાથી સોનાના સુધારાને ટેકો મળ્યો હતો. જોકે, હવે આગામી સપ્તાહે વૈશ્ર્વિક બજારમાં રોકાણકારો અને ટ્રેડરોની નજર ૧૯-૨૦ સપ્ટેમ્બરના રોજ યોજાનારી અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠક પર રહેશે અને બેઠકની ફળશ્રુતિ પૂર્વે સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાતા રહેશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?