ફેડરલ દ્વારા વહેલા વ્યાજદર કપાતની આશા ઓસરતા વૈશ્વિક સોનામાં નરમાઈ
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વહેલાસર વ્યાજદરમાં કપાતની આશા ઓસરી રહી હોવાથી તેમ જ રોકાણકારોની નજર અમેરિકાના આર્થિક ડેટાઓ અને આ સપ્તાહે યોજાનારી અન્ય વિકસીત દેશોની કેન્દ્રવર્તી બૅન્કોની નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. જોકે, આજે અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ હોવાથી મહારાષ્ટ્ર સરકારે જાહેર રજા જાહેર કરી હોવાથી સ્થાનિક ઝવેરી બજાર આજે સત્તાવાર ધોરણે બંધ રહી હતી.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના આૈંસદીઠ ભાવ આગલા બંધ સામે 0.4 ટકા ઘટીને આૈંસદીઠ 2021.39 ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ 0.3 ટકા ઘટીને 2023.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 2.2 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 22.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.
એકંદરે આજે રોકાણકારોની નજર બુધવારે જાહેર થનારા અમેરિકાના ફ્લેશ પીએમઆઈ ડેટા, ગુરુવારે જાહેર થનારા ગત વર્ષ 2023ના ચોથા ત્રિમાસિકગાળાના જીડીપીના અંદાજ તથા શુક્રવારે જાહેર થનારા વ્યક્તિગત વપરાશી ખર્ચના ડેટા પર હોવાથી આજે પાંખાં કામકાજ અને ફેડરલ રિઝર્વ આગામી માર્ચ મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતા ધૂંધળી બનતા સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. નોંધનીય બાબત એ છે કે હાલમાં સીએમઈ ફેડ વૉચ ટૂલ અનુસાર ફેડરલ રિઝર્વ માર્ચ મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી હવે 43 ટકા શક્યતા બજાર વર્તુળો વ્યક્ત કરી રહ્યા છે.