વેપાર

અમેરિકાના ફુગાવાની જાહેરાત પશ્ર્ચાત્ વૈશ્ર્વિક સોનામાં નરમાઈ છતાં અન્ડરટોન મજબૂત, સ્થાનિકમાં ઊંચા મથાળેથી માગ રૂંધાઈ

કોમોડિટી -રમેશ ગોહિલ

અમેરિકામાં ગત જુલાઈ મહિનાના ફુગાવામાં અર્થશાસ્ત્રીઓની અપેક્ષાનુસાર સાધારણ વૃદ્ધિ થવાની સાથે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેકસ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટ્યા મથાળેથી સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાથી સપ્તાહના અંતે ગત શુક્રવારે ન્યૂ યોર્ક ખાતે સોનાના હાજર અને વાયદાના ભાવમાં ઘટાડો આવ્યો હતો. તેમ છતાં ગત ઑગસ્ટ મહિનામાં એકંદરે ફેડરલ રિઝર્વ દ્વારા આગામી સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં કાપ મૂકવામાં આવે તેવો આશાવાદ, ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને મધ્યપૂર્વના દેશોમાં તણાવની સ્થિતિ રહી હોવાથી સોનાના વૈશ્ર્વિક ભાવમાં માસિક ધોરણે બે ટકા જેટલો વધારો નોંધાયો હતો. વધુમાં સ્થાનિક ઝવેરી બજારમાં પણ ગત સપ્તાહે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ અને ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં માસાન્તને કારણે ડૉલરમાં આયાતકારોની લેવાલી રહેતાં સોનાની આયાત પડતરોમાં વધારો થવાને કારણે ભાવમાં સાપ્તાહિક ધોરણે અંદાજે ૦.૭૫ ટકા જેટલો સુધારો આવ્યો હતો.

ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે સ્થાનિકમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત ૨૩મી ઑગસ્ટના ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૧,૪૨૪ના બંધ સામે રૂ. ૭૧,૭૦૯ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. ૭૧,૬૯૧ અને ઉપરમાં રૂ. ૭૨,૦૪૨ની રેન્જમાં અથડાઈને અંતે સાપ્તાહિક ધોરણે ૦.૭૫ ટકા અથવા તો રૂ. ૫૩૪ વધીને રૂ. ૭૧,૯૫૮ની સપાટીએ બંધ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે અગાઉ જુલાઈ મહિનામાં નાણાં પ્રધાને અંદાજપત્રના પ્રસ્તાવોમાં સોના પરની આયાત જકાત જે ૧૫ ટકા હતી તે ઘટાડીને છ ટકા કર્યા બાદ ગત ૨૫ જુલાઈના રોજ સોનાના ભાવ એક તબક્કે ઘટીને ચાર મહિનાની નીચી ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૭,૪૦૦ની સપાટી સુધી પહોંચ્યા હતા.

જોકે, ત્યાર બાદ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિકમાં પણ સોનાના ભાવમાં સુધારો આગળ ધપતો રહ્યો હતો. તેમ જ ગત સપ્તાહ દરમિયાન ભાવ ઊંચી સપાટીએ રહ્યા હોવાને કારણે રિટેલ સ્તર સહિત જ્વેલરી ઉત્પાદકોની માગ રૂંધાઈ ગઈ હતી. મુંબઈ સ્થિત સોનું આયાત કરતી ખાનગી બૅન્કના ડીલરે જણાવ્યું હતું કે અગાઉ જ્યારે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૦,૦૦૦ આસપાસની સપાટીએ હતા ત્યાં સુધી જ્વેલરી ઉત્પાદકોની ખરીદી જોવા મળી હતી, પરંતુ હવે ઊંચા મથાળેથી જ્વેલરો સાઈડ લાઈન થઈ જતાં ગત સપ્તાહે સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ આઠ ડૉલર આસપાસ ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હતા, સૂત્રોના જણાવ્યાનુસાર આ પૂર્વેના સપ્તાહે ડિસ્કાઉન્ટ છ ટકા આસપાસની સપાટીએ રહ્યું હતું.

નવી દિલ્હી સ્થિત એક બુલિયન ડીલરે જણાવ્યું હતું કે તાજેતરમાં સોનાના ભાવ વધી આવ્યા હોવાથી રિટેલ સ્તરની માગ પણ શાંત પડી ગઈ છે અને ખરીદદારો ભાવમાં સ્થિરતા આવે તેની રાહ જોઈ રહ્યા છે. હવે ટૂંક સમયમાં ગણેશોત્સવ, નવરાત્રી અને દિવાળી જેવાં તહેવારોની મોસમનો આરંભ થશે અને જો તહેવારોને ટાંકણે ભાવ ઊંચી સપાટી આસપાસ જળવાયેલા રહેશે તો ખાસ કરીને રિટેલ સ્તરની માગ પર માઠી અસર થવાની શક્યતા જ્વેલરો વ્યક્ત કરી રહ્યા છે. સોનાના ભાવમાં વધારો થવાને કારણે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનમાં પણ માગ રૂંધાઈ જવાથી ડીલરો સોનાના ભાવ પર વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ એક ડૉલરથી ૧૦ ડૉલર સુધીના ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હોવાનું ચીન સ્થિત એમકેએસ પીએએમપીનાં રિજિનલ ડિરેક્ટર બર્નાર્ડ સિને જણાવતા ઉમેર્યું હતું કે તાજેતરમાં ચીનની કેન્દ્રવર્તી બૅન્ક પીપલ્સ બૅન્ક ઑફ ચાઈનાએ સોનાની આયાત માટેનાં ક્વૉટા જારી કર્યા હોવા છતાં ભાવ વધવાને કારણે રિટેલ સ્તરની માગનો ટેકો નથી મળી રહ્યો.

અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકશે, એવા સંકેત ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે આગલા સપ્તાહે આપ્યા હોવાથી હવે બજાર વર્તુળોમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કે ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકવામાં આવશે તેની ચર્ચાએ જોર પકડ્યું છે. સામાન્યપણે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાત માટે ફુગાવાના દરને ધ્યાનમાં લેતી હોય છે અને ગત સપ્તાહના અંતે શુક્રવારે અમેરિકાના જુલાઈ મહિનાના ફુગાવાની જાહેરાત થવાની હોવાથી સપ્તાહ દરમિયાન રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હતો. જોકે, અમેરિકામાં જુલાઈ મહિનાના ફુગાવામાં અર્થશાસ્ત્રીઓની અપેક્ષાનુસાર જ ૦.૨ ટકાની સાધારણ વૃદ્ધિ થઈ હોવાથી ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ૧૦ વર્ષીય બૉન્ડની ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સપ્તાહના અંતિમ સત્રમાં હાજરમાં ભાવ ૦.૯ ટકા ઘટીને ઔંસદીઠ ૨૪૯૭.૫૩ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ૦.૯૫ ટકા ઘટીને ૨૫૩૬ ડૉલર આસપાસના મથાળે રહ્યા હતા.

હવે ફુગાવાના ડેટા ફેડરલ રિઝર્વ માટે ચિંતાનો મુખ્ય વિષય નથી રહ્યો અને હવે ફેડરલ રિઝર્વે ફુગાવાથી ધ્યાન હટાવીને બેરોજગારી પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે આથી હવે રોકાણકારોની નજર આગામી સપ્તાહે ફેડરલ રિઝર્વની ૧૭-૧૮ સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠક પૂર્વે જાહેર થનારા નોન ફાર્મ પે રૉલ ડેટા પર સ્થિર થઈ છે. તેમ જ આ ડેટા વ્યાજદર કપાતની માત્રા નિર્ધારિત કરવા માટે નિર્ણાયક પુરવાર થશે, એમ એલિગન્સ ગોલ્ડનાં ચીફ ઓપરેટિંગ ઑફિસર એલેક્સ એબકેરિયને જણાવ્યું હતું. ગત સપ્તાહના અંતે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૬૯ ટકા શક્યતા અને ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકવામાં આવે તેવી ૩૧ ટકા શક્યતા ટ્રેડરો મૂકી રહ્યા છે. વધુમાં એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડવાઈઝર્સના વિશ્ર્લેષકોના મતાનુસાર આગામી સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કપાતનો આશાવાદ, મધ્યપૂર્વના દેશોમાં તણાવની સ્થિતિને કારણે સોનામાં સલામતી માટેની માગ તેમ જ કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલીને ધ્યાનમાં લેતા આગામી સપ્તાહે વૈશ્ર્વિક સોનાના ભાવ ઔંસદીઠ ૨૫૨૦થી ૨૬૧૦ આસપાસની રેન્જમાં અથડાતા રહેશે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૦,૦૦૦થી ૭૩,૦૦૦ની રેન્જમાં અથડાતા રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button