વેપાર

વૈશ્વિક સોના-ચાંદીમાં ધીમો સુધારો: સ્થાનિક ચાંદી રૂ. 2521 ઉછળી, સોનામાં રૂ. 162નો ધીમો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
વૈશ્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં જોવા મળેલા મજબૂત વલણને છતાં અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ડિસેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવ સાંકડી વધઘટે અથડાઈને સાધારણ સુધારાતરફી રહ્યા હોવાના અહેવાલ હતા. આમ વૈશ્વિક બજારને અનુસરતા સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 2521નો ઉછાળો આવ્યો હતો. જોકે, આજે સ્થનિિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં 50 પૈસાનું બાઉન્સબૅક જોવા મળ્યું હોવાથી સોનાની આયાત પડતર ઘટવાને કારણે ભાવમાં સાધારણ 10 ગ્રામદીઠ રૂ. 161થી 162નો ધીમો સુધારો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 2521 વધીને રૂ. 1,53,650ના મથાળે રહ્યા હતા. જોકે, આજે જ્વેલરી ઉત્પાદકોની માગ શુષ્ક રહી હતી. વધુમાં આજે સોનામાં પણ સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીનો અભાવ અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની મર્યાદિત માગ વચ્ચે વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 161 વધીને રૂ. 1,22,814ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 162 વધીને રૂ. 1,23,308ના મથાળે રહ્યા હતા.

આ પણ વાંચો: ફેડરલની મિનિટ્સની જાહેરાત પૂર્વે વૈશ્વિક સોનામાં એક ટકાનો ઉછાળો

ગત શુક્રવારે વૈશ્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સ વધીને છ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ આજે સાધારણ ઘટાડો આવ્યો હોવા છતાં પડતરો વધવાને કારણે લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીના ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયા હતા અને હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.1 ટકા વધીને આૈંસદીઠ 4069.10 ડૉલર આસપાસ અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 0.3 ટકા ઘટીને 4065.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.2 ટકા વધીને આૈંસદીઠ 50.09 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

ગત શુક્રવારે ન્યૂયોર્ક ફેડનાં પ્રમુખ જ્હોન વિલિયમ્સે આગામી ડિસેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કપાતનો અવકાશ હોવાના સંકેત આપ્યા હોવાથી રોકાણકારો પરિસ્થિતિની આકારણી કરી રહ્યા હોવાથી આજે સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયા હોવાનું સાક્સો બૅન્કના કૉમૉડિટી હેડ ઓલે હાસને જણાવતા ઉમેર્યું હતું કે તેમની ટીપ્પણીને ધ્યાનમાં લેતા આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો આગામી બેઠકમાં વ્યાજદરમાં કપાતની 75 ટકા શક્યતા જોઈ રહ્યા છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button