વૈશ્વિક સોના-ચાંદીમાં ઘટ્યા મથાળેથી સુધારો | મુંબઈ સમાચાર
Top Newsવેપાર

વૈશ્વિક સોના-ચાંદીમાં ઘટ્યા મથાળેથી સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ગત શુક્રવારે ચીનથી થતી આયાત સામે 100 ટકા અતિરિક્ત ટૅરિફ લાદવી શક્ય ન હોવાનું અને ચીનના પ્રમુખ શિ જિનપિંગ સાથે મંત્રણા થવાની શક્યતા વ્યક્ત કરતાં ન્યૂયોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવમાં 2.50 ટકાનો અને ચાંદીના ભાવમાં 4.4 ટકાનો કડાકો બોલાઈ ગયો હતો.

જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે બન્ને કિંમતી ધાતુઓમાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો જોવા મળ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારમાં ગત શુક્રવારના વૈશ્વિક નિરુત્સાહી અહેવાલોને ધ્યાનમાં લેતા સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1943થી 1951નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 6180નો ઘટાડો આવ્યો હતો.

આપણ વાંચો: સોનાના ભાવમાં થયો મોટો ફેરફાર, જાણો આજના લેટેસ્ટ ભાવ

બજાર વર્તુળોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મુખ્યત્વે 999 ટચ ચાંદીમાં વિશ્વ બજાર પાછળ નરમાઈનું વલણ, સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલી તેમ જ વધુ ભાવઘટાડાના આશાવાદે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 6180ના ઘટાડા સાથે રૂ. 1,63,050ના મથાળે રહ્યા હતા.

વધુમાં આજે સોનામાં પણ વિશ્વ બજાર પાછળ ભાવમાં નરમાઈનું વલણ રહેતાં વૈશ્વિક બજાર પાછળ વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1943 ઘટીને રૂ. 1,27,122 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1951 ઘટીને રૂ. 1,27,633ના મથાળે રહ્યા હતા. જોકે, આજે બન્ને કિંમતી ધાતુઓમાં રોકાણકારોની લેવાલી રહી હતી. આ સિવાય દિવાળીના તહેવારને ધ્યાનમાં લેતા રિટેલ સ્તરની શુકન પૂરતી છૂટીછવાઈ માગ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પનાં ચીન પરની ટૅરિફના મુદ્દે યુ ટર્નને કારણે ગત શુક્રવારે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં 2.50 ટકા અને ચાંદીના ભાવમાં 4.4 ટકા જેટલા કડાકા બોલાઈ ગયા બાદ આજે લંડન ખાતે ઘટ્યા મથાળેથી ધીમો સુધારો જોવા મળ્યો હતો.

આપણ વાંચો: ટ્રેડ વોરની ચિંતા વચ્ચે સોનાના ભાવમાં જોરદાર ઉછાળો, જાણો આજના મુંબઈના લેટેસ્ટ ભાવ?

જેમાં હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.3 ટકા વધીને આૈંસદીઠ 4256.28 ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ આગલા બંધ સામે 1.6 ટકા વધીને 4280.40 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.3 ટકા વધીને આૈંસદી 51.98 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોના અને ચાંદીના ભાવમાં વધુ ઘટાડો ન આવતાં સોનાના ભાવ આૈંસદીઠ 4000 ડૉલર અને ચાંદીના ભાવ આૈંસદીઠ 50 ડૉલરની ઉપરની સપાટી આસપાસ જળવાઈ રહે તેવી શક્યતા સાક્સો બૅન્કના કૉમૉડિટી સ્ટ્રેટેજિસ્ટ ઑલે હેન્સેને વ્યક્ત કરી હતી.

ગત શુક્રવારે અમેરિકી પ્રમુખ ટ્રમ્પે બે સપ્તાહ દરમિયાન ચીનના પ્રમુખ શિ જિનપિંગ સાથે બેઠક કરશે, એવો સંકેત આપ્યો હોવાથી અમેરિકાની ચીન સાથેની વાટાઘાટો પર તેમ જ આગામી શુક્રવારે અમેરિકાનાં જાહેર થનારા ક્નઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટા પર બજાર વર્તુળોની મીટ મંડાયેલી છે.

જોકે, સપ્ટેમ્બર મહિનામાં ફુગાવો 3.1 ટકા આસપાસ રહે તેવી ધારણા મુકાઈ રહી છે. વધુમાં આગામી 28-29 ઑક્ટોબરની નીતિવિષયક બેઠકમાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button