સલામતી માટેની માગ નબળી પડતાં વૈશ્વિક ચાંદી ત્રણ ટકા તૂટીને 90 ડૉલરની અંદર, સોનામાં પીછેહઠ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ઈરાન સામેની લશ્કરી કાર્યવાહી હાલ પૂરતી અટકાવવા કરેલી ભલામણ અને વૉશિંગ્ટને મહત્ત્વના ખનીજો પરની ટૅરિફ મુલતવી રાખી હોવાના નિર્દેશો સાથે કિંમતી ધાતુઓમાં સલામતી માટેની માગ નબળી પડતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં ચાંદીના ભાવમાં ત્રણ ટકા જેટલો ઘટાડો આવ્યો હતો અને સોનાના ભાવમાં પણ 0.4 ટકા જેટલી પીછેહઠ જોવા મળી હતી.
જોકે, આજે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં સ્થાનિક નગરપાલિકાની ચૂંટણી હોવાથી ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એક્સચેન્જ બંધ હોવાથી સત્તાવાર ધોરણે સ્થાનિક ભાવની જાહેરાત નહોતી થઈ.
આપણ વાચો: સોનાના ભાવમાં ચંચળતા વચ્ચે ભારત સહિત એશિયન બજારમાં માગ નિરસ
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.4 ટકા ઘટીને આૈંસદીઠ 4602.99 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે સોનાના ભાવ વધીને 4642.72 ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા હતા.
તેમ જ સોનાના ફેબ્રુઆરી ડિલિવરી વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.6 ટકા ઘટીને આૈંસદીઠ 4607.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં આજે સત્રના આરંભે હાજરમાં ચાંદીના ભાવ વધીને આૈંસદીઠ 93.57 ડૉલરની નવી ટોચે પહોંચ્યા બાદ પીછેહઠ જોવા મળી હતી અને ગઈકાલના બંધ સામે ત્રણ ટકા ઘટીને આૈંસદીઠ 89.57 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે આજે ટ્રમ્પે ઈરાન પર હુમલો અટકાવવાના અને મહત્ત્વના ખનીજ અથવા તો રેર અર્થ મિનરલ્સ પરની ટૅરિફ લાદવાનું મુલતવી રાખતા તણાવની સ્થિતિ હળવી થતાં સોના અને ચાંદીના ભાવમાં પીછેહઠ જોવા મળી હોવાનું સાક્સો બૅન્કના કૉમૉડિટી સ્ટ્રેટેજિસ્ટ ઓલે હાન્સને જણાવ્યું હતું.
આપણ વાચો: સોનાના ભાવમાં થયો મોટો ફેરફાર, જાણો આજના લેટેસ્ટ ભાવ
ગઈકાલે ટ્રમ્પે જણાવ્યું હતું હાલમાં લિથિયમ સહિતનાં રેર અર્થ મિનરલ પર ટૅરિફ ન લાદવાનો વિકલ્પ પસંદ કર્યો છે અને વહીવટીતંત્રને વેપારી ભાગીદાર દેશો પાસેથી પુરવઠો મેળવવા આદેશ આપ્યો છે. વધુમાં તેમણે વ્હાઈટ હાઉસમાં જણાવ્યું હતું કે ઈરાનમાં પ્રદર્શનકારીઓને મારી નાખવાનું ઓછું થયું હોવાથી ઈરાન પરના હુમલા માટે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે.
આમ એકંદરે જોખમી પરિબળો ઓછા થતાં સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં માગ થોડી નબળી પડી હતી. જોકે, અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી 27-28 જાન્યુઆરીની નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદર યથાવત્ રાખે તેવી ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા છે. તેમ છતાં વર્ષ 2026માં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં બે વખત 25 બૅસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવો આશાવાદ સેવાઈ રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.



