અમેરિકી દેવાની ચિંતા અને રેટકટના આશાવાદમાં વૈશ્વિક સોનું ત્રણ સપ્તાહની ટોચે, વિક્રમ સપાટીની નજીક પહોંચતી ચાંદી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકા ખાતે ગવર્મેન્ટ શટડાઉનનો અંત આવવાની સાથે દેવાના સ્તરમાં વધારો થવાની ચિંતા ઉપરાંત હવે અમેરિકાના આર્થિક ડેટાઓની જાહેરાતો શરૂ થતાં ડેટાને ધ્યાનમાં લઈને ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકે તેવો આશાવાદ પ્રબળ બનતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ 0.9 ટકા ઉછળીને ત્રણ સપ્તાહની ટોચે પહોંચ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ 1.2 ટકાની તેજી સાથે વિક્રમ સપાટીની નજીક પહોંચ્યાના અહેવાલ હતા.
આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ.6025નો અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 2630થી 2641નો ઝડપી ઉછાળો આવ્યો હતો.
આપણ વાચો: દિવાળી બાદ સોનાના ભાવ તૂટ્યા; આ કારણે થઇ રહ્યો છે ઘટાડો
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિકમાં ખાસ કરીને 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલીનું આકર્ષણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 6025ની ઝડપી તેજી સાથે રૂ. 1,62,730ના મથાળે રહ્યા હતા.
જોકે, તેજીના માહોલમાં જ્વેલરી ઉત્પાદકોની લેવાલી શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં આજે વિશ્વ બજાર પાછળ સોનામાં પણ તેજીનો કરંટ રહેતા વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 2630 ઉછળીને રૂ. 1,26,047 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 2641 ઉછળીને રૂ. 1,26,554ના મથાળે રહ્યા હતા.
જોકે, સોનામાં રોકાણકારોની રોકાણલક્ષી છૂટીછવાઈ માગને બાદ કરતાં જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની લેવાલી નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આપણ વાચો: ગજબઃ સોનાના ભાવ આસમાને પણ એફઆઈઆરમાં જૂના ભાવનો જ ઉલ્લેખ, કારણ શું?
આજે લંડન ખાતે સત્રના આરંભે અમેરિકી દેવામાં વધારો થવાની ચિંતા તેમ જ અમેરિકી ફેડરલ રિઝર્વ હળવી નાણાનીતિ અપનાવે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.9 ટકા વધીને ગત 21મી ઑક્ટોબર પછીની ઊંચી આૈંસદીઠ 4235.56 ડૉલરની સપાટી આસપાસ તથા વાયદામાં ભાવ 0.6 ટકા વધીને 4240.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 1.2 ટકાની ઝડપી તેજી સાથે આૈંસદીઠ 54.05 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી શટડાઉનના અંત માટેનો ઠરાવ મંજૂર થયો હોવાના નિર્દેશો છતાં એકંદરે અમેરિકાની આર્થિક સ્થિતિમાં કોઈ નોંધપાત્ર સુધારો જોવા નહીં મળે અને દેવાનું સ્તર વધે અને આર્થિક વૃદ્ધિ નબળી પડે તેવા સંકેતો મળી રહ્યા હોવાથી સોનાચાંદી સહિતની કિંમતી ધાતુઓમાં તેજીનું વલણ જોવા મળ્યું હોવાનું એક ટ્રેડર હ્યૂગો પાસ્કલે જણાવ્યું હતું.
નોંધનીય બાબત એ છે કે ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે 43 દિવસના સૌથી લાંબા સમયગાળાના ગવર્મેન્ટ શટડાઉનના અંત અંગેના ઠરાવ પર સહી કરી હતી. આ શટડાઉનને કારણે અમેરિકાના ફુગાવા, આર્થિક વૃદ્ધિ તેમ જ રોજગારી સહિતના મહત્ત્વના ડેટાની જાહેરાત વિલંબિત થયા છે.
વધુમાં આગામી 30 જાન્યુઆરી સુધી ફેડરલ કાર્યકારી એગ્રીમેન્ટ ફંડ રહેશે, પરંતુ દેવાનો બોજ વર્ષે 1.8 ટ્રિલ્યન વધીને 38 ટ્રિલ્યન રહે તેવી ધારણા મુકાઈ રહી છે. અગાઉ ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે ડિસેમ્બર મહિનાની બેઠકમાં ડેટાના અભાવે વ્યાજદરમાં કાપ અંગે ચેતવણી ઉચ્ચારી હતી.



