ફેડરલની બેઠકની ફળશ્રુતિ પૂર્વે વૈશ્વિક સોનાચાંદીમાં નફારૂપી વેચવાલી
સ્થાનિક સોનામાં રૂ. 1136નો અને ચાંદીમાં રૂ. 3544નો કડાકો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વની આજે મોડી સાંજે સમાપન થનારી નિર્ણાયક બેઠક પૂર્વે લંડન ખાતે રોકાણકારોએ સોના-ચાંદીમાં નફો ગાંઠે બાંધતા ભાવ વિક્રમ સપાટીએથી પાછા ફર્યાનાં અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં કડાકા બોલાઈ ગયા હતા. જેમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1131થી 1136નો ઘટાડો જોવા મળ્યો હતો. વધુમાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 24 પૈસા મજબૂત થવાથી આયાત પડતરો ઘટી આવતા વિશ્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો વધુ માત્રામાં જોવા મળ્યો હતો. આ સિવાય આજે સ્થાનિકમાં ચાંદીના ભાવ પણ કિલોદીઠ રૂ. 3544 ગગડી ગયાના અહેવાલ હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મુખ્યત્વે 999 ટચ ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 3544ના ગાબડાં સાથે રૂ. 1,25,756ના મથાળે રહ્યા હતા.
આપણ વાંચો: અમેરિકામાં ફેડરલ રિઝર્વની બેઠક પૂર્વે મોંધવારીમાં વધારો, વ્યાજ દરના ઘટાડાની શક્યતા
વધુમાં આજે સોનામાં પણ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ અને રૂપિયો મજબૂત થતાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1131ના ઘટાડા સાથે રૂ. 1,09,294ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1136ના ઘટાડા સાથે રૂ. 1,09,733ના મથાળે રહ્યા હતા. જોકે, ભાવમાં ઘટાડો જોવા મળ્યો હોવા છતાં રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહી હતી.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સ્થાનિકમાં સામાન્યપણે સોનાના ભાવમાં તેજી આવે ત્યારે જૂના સોનાનાં આભૂષણો તેમ જ જૂના સિક્કા તથા લગડીમાં વેચવાલીનું દબાણ રહેતું હોય છે. જોકે, તાજેતરમાં જોવા મળેલી તેજી દરમિયાન વધુ ભાવવધારાને ધ્યાનમાં લેતા જૂના સોનામાં વેચવાલીનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની નફારૂપી વેચવાલીના દબાણ હેઠળ હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.6 ટકા ઘટીને અનુક્રમે આૈંસદીઠ 3665.98 ડૉલર અને 3701.70 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આપણ વાંચો: ફેડરલ રિઝર્વની બેઠકની ફળશ્રુતિ પૂર્વે વૈશ્વિક સોનામાં નરમાઈ
નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવ એક તબક્કે વધીને આૈંસદીઠ 3702.95 ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા હતા. વધુમાં આજે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 2.6 ટકાના કડાકા સાથે આૈંસદીઠ 41.44 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે આજે મોડી સાંજે અમેરિકી ફેડરલ રિઝર્વ બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદર અંગે કેવો નિર્ણય લેશે તેના પર બજારની નજર હોવાથી આજે બન્ને કિંમતી ધાતુઓમાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ જોવા મળ્યું હોવાનું એક વિશ્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે આૈંસદીઠ 3700 ડૉલરની સપાટી આસપાસ સોનામાં નફારૂપી વેચવાલીનું દબાણ અપેક્ષિત હતું. જોકે, હવે મોડી સાંજે ફેડરલ રિઝર્વનાં નિર્ણય પશ્ચાત્ ભવિષ્યમાં નાણાનીતિ માટે કેવું વલણ અપનાવવામાં આવશે તેના સંકેતો પર ભાવની વધઘટ અવલંબિત રહેશે, એમ તેમણે ઉમેર્યું હતું.
આજે બેઠકના અંતે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી બજાર વર્તુળો ધારણા મૂકી રહ્યા છે, પરંતુ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે મોટા રેટ કટ માટે હાકલ કરી હોવાથી બજારનો અમુક વર્ગ 50 બેસિસ પૉઈન્ટના કાપનો પણ આશાવાદ સેવી રહ્યો છે. વધુમાં આજે ડૉઈશ બૅન્કે આગામી વર્ષ 2026 માટેનો સોનાના ભાવનો અંદાજ જે આૈંસદીઠ 3700 ડૉલર મૂક્યો હતો તે વધારીને 4000 ડૉલર મૂક્યો હોવાના અહેવાલ હતા.