જોખમી પરિબળોમાં વધારો અને ડૉલર ઈન્ડેક્સમાં પીછેહઠે વૈશ્વિક સોનાચાંદીમાં બાઉન્સબૅક

લંડન/મુંબઈઃ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તી રહેલી આર્થિક અનિશ્ચિતતાઓને કારણે ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ તેમ જ ડૉલર ઈન્ડેક્સમાં પણ વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળી હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં 0.8 ટકાનું અને ચાંદીના ભાવમાં 1.3 ટકા જેટલું બાઉન્સબૅક જોવા મળ્યું હતું. જોકે, આજે સ્થાનિક સ્તરે ગુરુ નાનક જયંતીની જાહેર રજા હોવાથી ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશન બંધ હોવાથી સ્થાનિક ભાવની કોઈ સત્તાવાર જાહેરાત નહોતી થઈ.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.8 ટકા વધીને આૈંસદીઠ 3966.54 ડૉલર આસપાસ અને ડિસેમ્બર વાયદામાં ભાવ 0.4 ટકા વધીને 3976.10 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આપણ વાચો: ટ્રેડ વોરની ચિંતા વચ્ચે સોનાના ભાવમાં જોરદાર ઉછાળો, જાણો આજના મુંબઈના લેટેસ્ટ ભાવ?
નોંધનીય બાબત એ છે કે ગત 20મી ઑક્ટોબરના રોજ સોનાના ભાવ વધીને આૈંસદીઠ 4381.21 ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા હતા. તેમ જ વર્ષ 2025માં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં બાવન ટકા જેટલો ઉછાળો આવી ગયો છે. વધુમાં આજે હાજરમાં ચાંદીના ભાવ પણ 1.3 ટકાના ઉછાળા સાથે આૈંસદીઠ 47.69 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે વૈશ્વિક સ્તરે ઈક્વિટી વૅલ્યુએશનની ચિંતામાં વધારો થવાથી ઈક્વિટી માર્કેટમાં જોવા મળેલા નરમાઈના વલણ અને ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી ઘટાડો આવ્યો હોવાથી આજે સોના અને ચાંદીમાં સુધારાને ટેકો મળ્યો હોવાનું કાર્સ્ટન મેન્કનાં વિશ્લેષક જુલિયલ બૅરે જણાવ્યું હતું.
નોંધનીય બાબત એ છે કે આજે ઈક્વિટી વૅલ્યુએશન્સની ચિંતાને પગલે યુરોપિયન ઈક્વિટી માર્કેટ બે સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. તેમ જ ડૉલર ઈન્ડેક્સ 0.1 ટકા ઘટીને ત્રણ મહિનાની ઊંચી સપાટીએથી પાછો ફરતાં સોનામાં સુધારાને ટેકો મળ્યો હતો.
આપણ વાચો: અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ કરારના સંકેત, સોનાના ભાવમાં થઇ શકે છે ઘટાડો
અમેરિકી ગવર્મેન્ટ શટ ડાઉન અત્યાર સુધીનાં સૌથી લાંબા સમયગાળાની નજીક છે ત્યારે રોકાણકારોની નજર ફેડરલની નાણાનીતિ પર પડે તેવાં આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાનાં એડીપી નેશનલ એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ પર સ્થિર થઈ છે.
નોંધનીય બાબત એ છે કે ગત 28-29 ઑક્ટોબરની નીતિવિષયક બેઠકના અંતે અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં અપેક્ષાનુસાર 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂક્યો હતો.
તેમ છતાં આગામી ડિસેમ્બર મહિનાની બેઠકમાં વ્યાજદરમાં કપાતનો અવકાશ ઓછો હોવાનું ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે જણાવ્યું હતુ. આથી સીએમઈ ફેડ વૉચ ટૂલ પર અગાઉ બજાર વર્તુળો ડિસેમ્બરમાં વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી 90 ટકા શક્યતા વ્યક્ત કરતા હતા તે હવે 70 ટકા શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.



