સપ્તાહના અંતે યુરોપિયન શૅર માર્કેટ ગબડતાં વૈશ્ર્વિક સોનામાં ચમકારો
કોમોડિટી -રમેશ ગોહિલ
અગાઉ અમેરિકાનાં રોજગારીના ડેટા અપેક્ષા કરતાં સારા આવવાની સાથે વૈશ્ર્વિક બજારમાં સોનાના અગ્રણી વપરાશકાર દેશ ચીનની કેન્દ્રવર્તી બૅન્કની મે મહિનામાં સોનામાં લેવાલી અટકી હોવાના અહેવાલોને ધ્યાનમાં લેતાં સોનાના ભાવમાં કડાકો બોલાઈ ગયો હતો. આ ઉપરાંત ગત સપ્તાહે અમેરિકી ફેડરલ રિઝર્વની ૧૧-૧૨ જૂનની બે દિવસીય બેઠકનાં અંતે બજારની અપેક્ષાનુસાર વ્યાજદર યથાવત્ રાખ્યા હતા. જોકે, મે મહિનાના ફુગાવામાં બજારની અપેક્ષા કરતાં ધીમી ગતિએ વધારો થયો હોવાના અહેવાલ છતાં ફુગાવો સ્થાગિત થયો હોવાનું જણાવતાં ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે આ વર્ષમાં હવે ત્રણ વખતને બદલે માત્ર એક જ વખત વ્યાજદરમાં કાપ મૂકવામાં આવશે એવું જણાવતાં સોનાના ભાવ વધુ દબાણ હેઠળ આવ્યા હતા.
જોકે, સપ્તાહના અંતે યુરોપિયન સંસદીય ચૂંટણીના પરિણામોને પગલે ફ્રેન્ચની અસ્ક્યામતો દબાણ હેઠળ આવતાં યુરોપના શૅર બજારમાં કડાકા બોલાઈ જતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના હાજર ભાવમાં ૧.૩ ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. તેમ જ ચાર સપ્તાહમાં પહેલી વખત ભાવમાં સાપ્તાહિક ધોરણે ૧.૮ ટકા જેટલી વૃદ્ધિ નોંધાઈ હતી.
એકંદરે વૈશ્ર્વિક બજારમાં ગત ગુરુવાર સુધી નરમાઈનું વલણ રહ્યું હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવ વિશ્ર્વ બજાર પાછળ બેતરફી વધઘટે અથડાઈ ગયા હતા. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર સ્થાનિકમાં ગત સપ્તાહના આરંભે હાજરમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત સાતમી જૂનના ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૧,૯૧૩ના બંધ સામે કડાકા સાથે રૂ. ૭૦,૯૦૫ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં ખૂલતી જ રૂ. ૭૦,૯૦૫ની સપાટી અને સપ્તાહના અંતે રૂ. ૭૧,૮૬૬ની સપાટીએ બંધ રહ્યા હતા. આમ સાપ્તાહિક ધોરણે ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૭નો સાધારણ ઘટાડો નોંધાયો હતો. જોકે, ગત સપ્તાહની તોફાની વધઘટમાં સ્ટોકિસ્ટો અને રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકોની નવી લેવાલી પાંખી હતી. તેમ જ રિટેલ સ્તરની માગ ખપપૂરતી મર્યાદિત રહી હતી.
ગત શુક્રવારે વિશ્ર્વ બજારમાં સોનાના ભાવમાં એક ટકાથી વધુ માત્રાની તેજી આવી હોવાથી આવતીકાલે (સોમવારે) સ્થાનિકમાં પણ ભાવમાં ઉછાળો જોવા મળે તેવી શક્યતા નકારી ન શકાય.
રાજકીય કટોકટીને પગલે ફ્રેન્ટ અસ્ક્યામતોમાં ધબડકો બોલાઈ જતાં યુરોપનાં ઈક્વિટી માર્કેટમાં કડાકા બોલાઈ ગયા હતા. જોકે, અમેરિકી બજારોમાં સાવચેતીનાં અભિગમ વચ્ચે એસ ઍન્ડ પી ૫૦૦ અને નાસ્દેકમાં ધીમો સુધારો આવ્યો હોવાથી સોનામાં સુધારાને ટેકો મળ્યો હોવાનું ટી ડી સિક્યોરિટીઝનાં કૉમૉડિટી સ્ટ્રેટેજી વિભાગના હેડ બાર્ટ મેલેકે જણાવ્યું હતું. ફેડરલ રિઝર્વે લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખવાનો અને આ વર્ષે માત્ર એક જ વખત વ્યાજદરમાં કાપ મૂકવાનો સંકેત આપ્યો હોવાથી સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હતો. તેમ જ જો યુરોપમાં રાજકીય સ્થિરતા થતાં આગામી ટૂંકા સમયગાળામાં સોનાના ભાવ પુન: ૨૩૦૦ ડૉલરની અંદર ઉતરે તેવી શક્યતા નકારી ન શકાય, એમ તેમણે ઉમેર્યું હતું.
અમેરિકામાં મે મહિનાના ફુગાવામાં અપેક્ષા કરતાં ધીમી વૃદ્ધિ થઈ હોવા છતાં ફેડરલ રિઝર્વે આક્રમક નાણાનીતિ જાળી રાખતાં આ વર્ષેમાં એક જ વખત ૨૫ બેસિસ પૉઈન્ટના રેટકટનો અંદાજ મૂક્યો હોવાથી ગત સપ્તાહે સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. વધુમાં અમેરિકાએ ચાઈનીઝ સોલાર સેલની આયાત પર ૫૦ ટકા ટેરિફ લાદી હોવાની માઠી અસર ચાંદીના ભાવ પર પડતાં ચાંદીના ભાવમાં પણ પીછેહઠ જોવા મળી હતી. જોકે, ચીનની સોલારની વૈશ્ર્વિક અગ્રણી કંપની ઝિંજિયાંગની ઘટ્યા મથાળેથી માગ નીકળતાં મોટો ઘટાડો અટક્યો હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સનાં વિશ્ર્લેષકે જણાવ્યું હતું. ફેડરલનાં એક જ વખત વ્યાજ કાપના સંકેત છતાં સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ટ્રેડરો સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં કપાતની ૬૭ ટકા શક્યતા વ્યક્ત કરી રહ્યા હોવાનું જણાવતાં તેમણે ઉમેર્યું હતું કે અમારા મતાનુસાર વર્તમાન સપ્તાહે સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૨૩૦૦થી ૨૩૫૦ ડૉલર આસપાસની રેન્જમાં અને સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૦,૦૦૦થી ૭૨,૫૦૦ આસપાસની રેન્જમાં રહે તેવી શક્યતા જણાય છે.