વૈશ્વિક સોનામાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીએ પીછેહઠ
સ્થાનિક સોનામાં રૂ. 156નો અને ચાંદીમાં રૂ. 323ની આગેકૂચ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક સ્તરે ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના ભૂરાજકીય તણાવમાં વધારો થતા ગત શુક્રવારે વિશ્વ બજારમાં સોનાના ભાવ વધીને બે મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ નફો ગાંઠે બાંધતા હાજર અને વાયદામાં ભાવ દબાણ હેઠળ આવ્યા હતા, જ્યારે ચાંદીમાં ધીમો સુધારો આવ્યો હતો. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં સપ્તાહના આરંભે મધ્યસત્ર દરમિયાન ગત શુક્રવારના વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 156નો સુધારો આવ્યો હતો. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો આઠ પૈસાના સુધારા સાથે ક્વૉટ થઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરો ઘટવાથી સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 323ની આગેકૂચ જોવા મળી હતી.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની ખપપૂરતી માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 323ના સુધારા સાથે રૂ. 1,06,490ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં ગત શુક્રવારના વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા ભાવમાં સુધારાતરફી વલણ રહેતા વેરારહિત ધોરણે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 156 વધીને 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 98,817 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 99,214ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ગત સપ્તાહે ઈઝરાયલ-ઈરાન વચ્ચે વધેલા ભૂરાજકીય તણાવ ઉપરાંત અમેરિકાની ટૅરિફની નીતિની અનિશ્ચિતતા વચ્ચે વિશ્વ બજારમાં સોનાના ભાવ વધીને બે મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ઊંચા મથાળેથી ટ્રેડરોની નફારૂપી વેચવાલી નીકળતાં હાજર અને વાયદામાં ભાવ ઊંચા મથાળેથી 0.5 ટકાના ઘટાડા સાથે અનુક્રમે આૈંસદીઠ 3414.32 ડૉલર અને 3434.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે 0.2 ટકા વધીને આૈંસદીઠ 36.36 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
ઈઝરાયલ-ઈરાન વચ્ચે વધેલા તણાવને કારણે સોનામાં સલામતી માટેની માગનો મજબૂત ટેકો મળ્યો હોવાનું ઓએએનડીએના વિશ્લેષક કેલ્વિન વૉન્ગે જણાવતાં ઉમેર્યું હતું કે તાજેતરમાં સોનાએ આૈંસદીઠ 3400 ડૉલરની સપાટી વટાવી હોવાથી તેજીનો અન્ડરટોન જળવાયેલો રહેશે અને આગામી ટૂંકા સમયગાળા માટે આૈંસદીઠ 3500 ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થઈ શકે તેમ છે.
આપણ વાંચો: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ફિક્સ્ડ ડિપોઝિટના રોકાણકારોને આંચકો આપ્યો, વ્યાજ દર ઘટાડ્યા
ગઈકાલે ઈઝરાયલ અને ઈરાને એકબીજા પર ઘણાં નવેસરથી હુમલાઓ કર્યા હતા, જેમાં ઘણાં નાગરિકોના મોત થયા હતા અને બન્ને દેશોના લશ્કરોએ જનતાને સાવચેતી રાખવાનો અનુરોધ હોવાથી તણાવ વધુ ઉગ્ર બને અને હુમલાઓ વધે તેવી ભીતિ સપાટી પર આવી છે. વધુમાં અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ઈઝરાયલ-ઈરાન વચ્ચે કોઈ કરાર થઈ શકે છે, પરંતુ ઘણાં દેશો પહેલા યુદ્ધ કરતા હોય છે. સામાન્યપણે રાજકીય-ભૌગોલિક અને આર્થિક અનિશ્ચિતતાઓના સંજોગોમાં સોનામાં સલામતી માટેની માગ રહેતી હોય છે.
હવે રોકાણકારોની નજર આગામી 17-18 જૂનથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠક પર છે. જોકે, બેઠકના અંતે ફેડરલ રિઝર્વ વ્યાજદર યથાવત્ રાખે તેવી શક્યતા છે તેમાં છતાં ભવિષ્યની નીતિ અંગે ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલ કેવા સંકેતો આપે છે તેના પર રોકાણકારો અને ટ્રેડરોનું ધ્યાન કેન્દ્રિત રહેશે, એમ સૂત્રો જણાવે છે.