ડૉલર મજબૂત થતાં વૈશ્વિક સોનું ચાર સપ્તાહની ટોચેથી પાછું ફર્યું
સ્થાનિકમાં ચાંદી રૂ. 2178 ઉછળીને રૂ. એક લાખની લગોલગ, સોનામાં રૂ. 282નો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જનાં કૉમેક્સ વિભાગ પર ગઈકાલે ટ્રેડ વૉરની ચિંતા વચ્ચે હાજરમાં સોનાના ભાવ 2.7 ટકા ઉછળીને ચાર સપ્તાહની ટોચે પહોંચ્યા હતા, પરંતુ આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળી હતી. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલો ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો 15 પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરો વધી આવતા હાજરમાં સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 281થી 282ની આગેકૂચ જોવા મળી હતી, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 2178ના ઉછાળા સાથે રૂ. એક લાખની સપાટીની લગોલગ પહોંચ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં ગઈકાલે ચાંદીના ભાવ આૈંસદીઠ 34 ડૉલરની સપાટી કુદાવી ગયા હોવાથી આજે સ્થાનિકમાં પણ મધ્યસત્ર દરમિયાન તેજીનું વલણ રહેવાની સાથે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 2178ના ઝડપી ઉછાળા સાથે રૂ. 99,939ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયામાં નરમાઈ અને ઓવરનાઈટ પ્રોત્સાહક અહેવાલે મધ્યસત્ર દરમિયાન 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 281 વધીને રૂ. 96,574 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 282 વધીને રૂ. 96,962ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી મર્યાદિત રહી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાના અહેવાલ હતા.
અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત સામે 50 ટકા ટૅરિફ લાદવાની યોજના ધરાવી રહ્યાનાં નિર્દેશો સાથે વિશ્વ બજારમાં ટ્રેડ વૉરની ચિંતા સપાટી પર આવતા ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં 2.7 ટકાનો ઉછાળા સાથે ગત આઠમી મે પછીની ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલરમાં મજબૂત વલણ રહેતાં હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે 0.4 ટકા ઘટીને આૈંસદીઠ 3365.22 ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.2 ટકા ઘટીને 3390.10 ડૉલર આસપાસ તથા હાજરમાં ચાંદીના ભાવ 1.7 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 34.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આપણ વાંચો: મે મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનનો પીએમઆઈ આંક ત્રણ મહિનાના તળિયે
એકંદરે આજે ડૉલર ઈન્ડેક્સ વધી આવતા સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. જોકે, અમેરિકા અને ચીન વચ્ચેનાં વેપાર કરારની અનિશ્ચિતતાને ધ્યાનમાં લેતા સોનામાં મોટો ઘટાડો અટક્યો હોવાનું ગોલ્ડસિલ્વર સેન્ટ્રલનાં મેનેજિંગ ડિરેક્ટર બ્રિઆન લાને જણાવ્યું હતું.
દરમિયાન અમેરિકાએ ચીન પર ટૅરિફ અને વેપાર પ્રતિબંધો પાછા ખેંચવાનાં કરારનું ઉલ્લંઘન કર્યાનાં આક્ષેપો લગાવ્યા બાદ ગઈકાલે વ્હાઈટ હાઉસે જણાવ્યું હતુ કે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ અને ચીનનાં પ્રમુખ જિનપિંગ આ સપ્તાહે વાતચીત કરે તેવી શક્યતા છે. આમ હવે રોકાણકારોની નજર વૈશ્વિક વેપારની સ્થિતિ પર છે. જોકે, અમુક અંશે રોકાણકારોએ લેણ હળવા કર્યા છે તેમ છતાં નજીકનાં ભવિષ્યમાં વેપારને લગતા તણાવ હળવા થાય તેવી શક્યતા ન હોવાનું વિશ્લેષકો જણાવી રહ્યા છે.