વૈશ્ર્વિક સોનામાં ઘટ્યા મથાળેથી સુધારો છતાં સ્થાનિકમાં ₹ ૪૫૧ની પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકાના આર્થિક ડેટાની જાહેરાત પૂર્વે અને આગામી સપ્ટેમ્બર મહિનાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવા આશાવાદ સાથે લંડન ખાતે આજે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો. જોકે, સ્થાનિકમાં ખાસ કરીને ગઈકાલે સોના-ચાંદી પરની આયાત જકાતમાં ઘટાડો કરતાં ભાવમાં ઘટાડો જોવા મળ્યા બાદ આજે પણ સ્થાનિક ઝવેરી બજારમાં ખાસ કરીને સોનામાં રોકાણકારો સહિત સાર્વત્રિક સ્તરેથી નવી લેવાલીનો અભાવ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૪૪૯થી ૪૫૧નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની માગ જળવાઈ રહેતાં ભાવમાં સાધારણ કિલોદીઠ રૂ. ૫૭નો ઘટાડો આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ સટ્ટાકીય વેચવાલીનું દબાણ જળવાઈ રહ્યું હોવા છતાં ઔદ્યોગિક વપરાશકારોની માગ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ લેવાલી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૫૭ના સાધારણ ઘટાડા સાથે રૂ. ૮૪,૮૬૨ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં ગઈકાલે નાણા પ્રધાને જાહેર કરેલા વર્તમાન નાણાકીય વર્ષનાં અંદાજપત્રના પ્રસ્તાવોમાં સોના પરની આયાત જકાત ઘટાડીને છ ટકા કરી હોવાથી આજે સતત બીજા સત્રમાં ભાવઘટાડો જળવાઈ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૪૯ ઘટીને રૂ. ૬૮,૮૭૪ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૪૫૧ ઘટીને રૂ. ૬૯,૧૫૧ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ પાંખી રહી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે અમેરિકાના આર્થિક ડેટાની જાહેરાત પૂર્વે બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું, જેમાં હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૨૪૧૭.૬૩ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૫ ટકા વધીને ૨૪૧૮.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૨૯.૩૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આવતીકાલે(ગુરુવારે) અમેરિકાના બીજા ત્રિમાસિકગાળાના જીડીપીના ડેટાની અને શુક્રવારે જૂન મહિનાના પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સપેન્ડિચર ઈન્ડેક્સ ડેટાની જાહેરાત થશે. જો આ બન્નેમાંથી કોઈપણ ડેટા સારા આવ્યા તો ડૉલર ઈન્ડેક્સ મજબૂત થતાં આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોનાની તેજીમાં અવરોધ આવે તેવી શક્યતા કેસીએમ ટ્રેડના ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બરથી વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા પ્રબળ હોવાથી લાંબા સમયગાળે સોનામાં સુધારો જોવા મળશે. તાજેતરમાં રૉઈટર્સ દ્વારા કરવામાં આવેલા અર્થશાસ્ત્રીઓના સર્વેક્ષણમાં એવું ફલિત થયું હતું કે ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર અને ડિસેમ્બર મહિનામાં બે વખત વ્યાજદરમાં કાપ મૂકશે.