ડૉલર અને યિલ્ડ વધતાં વૈશ્ર્વિક સોનામાં પીછેહઠ, અમેરિકી આર્થિક ડેટા પર નજર

લંડન: અમેરિકાનાં જીડીપી અને પર્સનલ ક્ધઝમ્પશન એક્સપેન્ડિચર ઈન્ડેક્સનાં આંકની જાહેરાત પૂર્વે આજે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં આગેકૂચ જળવાઈ રહેતાં આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું.
આજે સત્રના આરંભે લંડન ખાતે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૧૯૬૭.૨૦ ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૫ ટકા ઘટીને ૧૯૭૮.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪ ટકા ઘટીને ઔંસદીઠ ૨૨.૮૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
તાજેતરમાં વૈશ્ર્વિક સોનાના ભાવ ઔંસદીઠ ૨૦૦૦ ડૉલરની મનોવૈજ્ઞાનિક સપાટીની નજીક પહોંચ્યા બાદ કોન્સોલિડેટ થઈ રહ્યા હોવાનું કિનેસિસ મનીના માર્કેટ એનાલિસ્ટ કાર્લો અલ્બર્ટો ડૅ કાસાએ જણાવતાં ઉમેર્યું હતું કે હાલમાં સોનું નવાં બજાર પરિબળોની રાહ જોઈ રહ્યું છે. જો ભાવ ઔંસદીઠ ૧૯૫૦ ડૉલરની અંદર ઉતરે તો ઔંસદીઠ ૧૯૦૦થી ૧૯૨૦ ડૉલર સુધી ઘટી શકે તેમ છે, પરંતુ જ્યાં સુધી ફેડરલ દ્વારા નાણાનીતિમાં આક્રમક અભિગમ અપનાવવાના સંકેત આપવામાં ન આવે ત્યાં સુધી સોનાના ભાવમાં ઘટાડાની શક્યતા નથી જણાતું.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે છેલ્લાં બે સપ્તાહમાં ખાસ કરીને મધ્યપૂર્વના દેશોમાં તણાવની સ્થિતિ રહેતાં સોનાના ભાવમાં અંદાજે નવ ટકા જેટલો ઉછાળો આવી ગયો છે અને ગત ૨૦મી ઑક્ટોબરે ભાવ વધીને પાંચ મહિનાની ઊંચી ઔંસદીઠ ૧૯૯૭.૦૯ ડૉલરની સપાટી સુધી પહોંચ્યા હતા. આમ રાજકીય-ભૌગોલિક તણાવના સમયગાળામાં સોનામાં સલામતી માટેનું આગવુ મહત્ત્વ હોવાથી બૉન્ડની યિલ્ડમાં મજબૂત વલણ રહેતાં સોનાના ભાવમાં તેજી જોવા મળી છે.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગઈકાલે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં ૦.૨ ટકાની તેજી જોવા મળી હતી, જ્યારે ૧૦ વર્ષીય અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ એક તબક્કે પાંચ ટકા કરતાં વધુ વધ્યા બાદ અંતે ૪.૮૩૩૫ ટકાના સ્તરે રહી હતી.
જોકે, હવે રોકાણકારોની નજર આગામી ગુરુવારે જાહેર થનારા અમેરિકાનાં ત્રીજા ત્રિમાસિકગાળાના જીડીપીના ડેટા, શુક્રવારે જાહેર થનારા પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સપેન્ડિચર પ્રાઈસ ઈન્ડેક્સ પર સ્થિર થઈ છે.