અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે વૈશ્વિક સોનામાં પીછેહઠ
સ્થાનિક સોનામાં રૂ. 479નો ઘટાડો, ચાંદી રૂ. 1447 ગબડીને રૂ. 94,000ની અંદર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુુંબઈઃ ફેડરલ રિઝર્વ માટે વ્યાજદરમાં કપાત અંગેના નિર્ણયમાં મહત્ત્વની ભૂમિકા ભજવતા ફુગાવાના ડેટાની આજે મોડી સાંજે થનારી જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સોના અને ચાંદીમાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવતા આજે બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં પીછેહઠ જળવાઈ રહી હોવાના અહેવાલ હતા. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટો આક્રમક સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ તેમ જ વપરાશકાર ઉદ્યોગની માગ પણ નિરાસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 1447 ગબડીને રૂ. 94,000ની અંદર ઊતરી ગયા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 477થી 479નો ઘટાડો આવ્યો હતો, જેમાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાનએ રૂ. 85,000ની સપાટી ગૂમાવી હતી.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીયવેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ તેમ જ વધુ ભાવઘટાડાના આશાવાદે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 1447 તટીને રૂ. 93,601ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વિશ્વ બજાર પાછળ નરમાઈનું વલણ રહ્યું હતું. તેમ જ સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ તથા જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની પણ વધુ ઘટાડાની શક્યતાને ધ્યાનમાં લેતા માગ ખપપૂરતી રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 477 ઘટીને રૂ. 84,773 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 479 ઘટીને રૂ. 85,114ના મથાળે રહ્યા હતા.
આજે મોડી સાંજે અમેરિકાના પર્સનલ ક્નઝમ્પશન એક્સપેન્ડિચર ડેટા અથવા તો ફુગાવાના ડેટાની જાહેરાત પૂર્વે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અપનાવતા હાજરમાં ભાવ વધુ 0.5 ટકા ઘટીને આૈંસદીઠ 2862.05 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે વર્તમાન સપ્તાહમાં અત્યાર સુધીમાં હાજરમાં સોનાના ભાવમાિ સાપ્તાહિક ધોરણે ત્રણ મહિનાનો સૌથી મોટો 2.50 ટકાનો ઘટાડો નોંધાયો છે. જોકે, વર્તમાન ફેબ્રુઆરી મહિનામાં અત્યાર સુધીમાં સોનાના ભાવ 2.2 ટકા વધી આવ્યા છે. વધુમાં આજે સોનાના વાયદામાં ભાવ 0.8 ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 2873.80 ડૉલર આસપાસ અને ચાંદીના ભાવ 0.4 ટકા ઘટીને આૈંસદીઠ 31.12 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આ પણ વાંચો…ટ્રમ્પે ચીનને મોટો ઝટકો આપ્યો; ચીન પર વધુ આટલા ટકા ‘Tariff’ ઝીંક્યો
એકંદરે આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ સાથે નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં નરમાઈનું વલણ જોવા મળી રહ્યું હોવાનું આઈજી માર્કેટના સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉન્ગે જણાવતાં ઉમેર્યું હતું કે ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે આગામી 4 માર્ચથી કૅનેડા અને મેક્સિકોથી થતી આયાત સામે 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરવાની સાથે ચીનથી અમેરિકા ખાતે હજુ જીવલેણ દવાઓ આવી રહી હોવાથી ચીનથી થતી આયાત પર પણ 10 ટકા ડ્યૂટીની જાહેરાત કરી હતી.
સામાન્યપણે વધતા ફુગાવાના સંજોગોમાં સોનામાં રોકાણકારોની હેજરૂપી માગ રહેતી હોય છે, પરંતુ તાજેતરમાં ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ વધી રહી હોવાથી સોનામાં માગ નબળી પડી રહી છે. અમારા મતે આજે જાહેર થનારા ફુગાવાના ડેટા નિયંત્રણ હેઠળ રહે તેવી શક્યતા હોવાથી ફેડરલ રિઝર્વની આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ઊંચા વ્યાજદર જાળવી રાખવાની નીતિમાં કોઈ ફરક નહીં પડે, એમ યીપે ઉમેર્યું હતું.