વેપાર

ડૉલર નબળો પડતાં વૈશ્વિક સોનામાં ઘટ્યા મથાળેથી સુધારો

સ્થાનિક સોનામાં રૂ. 1039નો અને ચાંદીમાં રૂ. 2930નો કડાકો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જમાં ગત શુક્રવારે સોના અને ચાંદીમાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું, જોકે આજે સપ્તાહના આરંભે વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ બે મહિનાની નીચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં નીચા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો. આજે વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 2930નો કડાકો બોલાઈ ગયો હતો, જ્યારે સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1035થી 1039નું ગાબડું પડ્યું હતું. વધુમાં આજે ડૉલર નબળો પડ્યો હોવાથી આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં 15 પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હતો. આમ રૂપિયો મજબૂત થવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાને કારણે પણ ભાવઘટાડાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક નફારૂપી વેચવાલીના દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 2930ના કડાકા સાથે રૂ. 95,023ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ નફારૂપી વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ શુષ્ક રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 1035 તૂટીને રૂ. 84,619 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1039 તૂટીને રૂ. 84,959ના મથાળે રહ્યા હતા.

આ પણ વાંચો: Mumbai Gold Rate: સોના-ચાંદીમાં આગેકૂચ, ચાંદીના ભાવ 97,000 રુપિયાને પાર

ગત શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોના અને ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણે ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હતું. જોકે, અમેરિકાના જાન્યુઆરી મહિનાના રિટેલ વેચાણના ડેટા અપેક્ષા કરતાં નબળા આવ્યા હોવાથી આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ઘટીને બે મહિનાની નીચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.6 ટકા વધીને આૈંસદીઠ 2900.60 ડૉલર અને વાયદામાં ભાવ 0.4 ટકા વધીને 2911.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.2 ટકા વધીને આૈંસદીઠ 32.21 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા.

એકંદરે આજે સોનાને ડૉલર ઈન્ડેક્સની નબળાઈનો અને અમેરિકાની ટેરિફની અનિશ્ચિતતાઓનો ટેકો મળી રહ્યો હોવાનું ઓએએનડીએનાં એશિયા પેસિફિક વિભાગનાં વિશ્લેષક કેલ્વિન વૉન્ગે જણાવ્યું હતું. વધુમાં ગત શુક્રવારે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ઑટોમોબાઈલ પર બીજી એપ્રિલ સુધીમાં લેવી આવી રહી હોવાની જાણ કરવાની સાથે મોટા વેપારી ભાગીદાર દેશો સામે રેસિપ્રોકલ ટેરિફ લાદવાનો પણ અર્થશાસ્ત્રીઓને નિર્દેશ આપ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

દરમિયાન અમેરિકી રાજ્ય સચિવ માર્કો રુબિયો રશિયન અધિકારીઓ સાથે વાતચીત કરતાં પૂર્વે આજે સાઉદી અરેબિયા પહોંચશે અને ત્રણ વર્ષથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ અંગે ચર્ચા કરશે. જો શાંતિ મંત્રણાની આ વાટાઘાટો સફળ થશે તો સોનામાં સલામતી માટેની માગમાં ઘટાડો થઈ શકે છે, એમ કેસીએમ ટ્રેડના વિશ્લેષક ટીમ વૉટરરે જણાવ્યું હતું. જાકે, રોકાણકારોમાં હજુ ટ્રેડ વૉરની ચિંતા તો છે જ આથી વેપાર અનિશ્ચિતતાને કારણે સોનમાં માગ જળવાઈ રહેશે, એમ તેમણે ઉમેર્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button