વૈશ્વિક સોનું ત્રણ સપ્તાહના તળિયેથી પાછું ફર્યું, સ્થાનિકમાં રૂ. 365 ઘટ્યા, ચાંદી રૂ. 2400 ગબડી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ ઘટીને ત્રણ સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા બાદ નીચા મથાળેથી ધીમો સુધારો જોવા મળ્યો હતો. તેમ જ ચાંદીના ભાવમાં 0.5 ટકા જેટલો ઘટાડો આગળ વધ્યો હોવાના નિર્દેશો હતા. જોકે, રોકાણકારોની નજર આજે મોડી સાંજે જાહેર થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સ પર તેમ જ આવતીકાલથી ત્રણ દિવસ દરમિયાનનાં જેક્શન હૉલ ખાતેના ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પર હોવાથી રોકાણકારોએ સોના-ચાંદીમાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હતો. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ તેમ જ સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો 10 પૈસાના સુધારા સાથે ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતર ઘટવાથી મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 364થી 365નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં વિશ્વ બજાર પાછળ સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહેતા ભાવમાં કિલોદીઠ રૂ. 2400નો કડાકો બોલાઈ ગયો હતો.
બજાર વર્તુળોના જણાવ્યાનુસાર આજે વૈશ્વિક ચાંદીમાં નરમાઈનું વલણ અને ભાવ આૈંસદીઠ 38 ડૉલરની અંદર ઊતરી ગયા હોવાથી સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટોની ઊંચા મથાળેથી વેચવાલીનું દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 2400ના કડાકા સાથે રૂ. 1,11,225ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્રમાં સોનામાં પણ વિશ્વ બજાર પાછળ નરમાઈ અને ડૉલર સામે રૂપિયામાં મજબૂત અન્ડરટોન રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 364 ઘટીને રૂ. 98,407 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 365 ઘટીને રૂ. 98,803ના મથાળે રહ્યા હતા. જોકે, ભાવમાં વધુ ઘટાડાના આશાવાદે સ્ટોકિસ્ટો અને રોકાણકારો તથા જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ એક સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચતા લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ એક તક્કે ઘટીને ગત પહેલી ઑગસ્ટ પછીની નીચી સપાટી સુધી પહોંચ્યા બાદ સાધારણ 0.2 ટકા વધીને આૈંસદીઠ 3321.83 ડૉલર અને વાયદામાં ભાવ 0.2 ટકા વધીને 3364.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ 0.5 ટકા ઘટીને આૈંસદીઠ 37.20 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે મજબૂત ડૉલર અને રશિયા-યુક્રેન વચ્ચેનો ભૂરાજકીય તણાવ હળવો થવાથી સોનામાં સલામતી માટેની માગ ઓસરતા સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા છે. વધુમાં રોકાણકારોની નજર આગામી 21થી 23 ઑગસ્ટ દરમિયાન જેક્સન હૉલ ખાતે ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્યમાં આર્થિક ભાવી અને ભવિષ્યની નાણાનીતિ અંગે કોઈ દિશા નિર્દેશ આપવામાં આવે છે કે કેમ તેના પર તેમ જ આગામી બુધવારે જાહેર થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સ પર હોવાથી નવી લેવાલી પણ અટકી હોવાનું ઓએએનડીએનાં વિશ્લેષક કેલ્વિન વૉન્ગે જણાવ્યું હતું.
જોકે, એએનઝેડનાં વિશ્લેષકે જણાવ્યું હતું કે આગામી સપ્ટેમ્બર મહિનાના આર્થિક આંકડાઓ પર અમેરિકી ઊંચાં ટૅરિફની અસર જોવા મળે તેવી શક્યતા ઉપરાંત ફેડરલ રિઝર્વ દ્વારા પણ વ્યાજદરમાં કાપ મૂકવામાં આવે તેવી શક્યતાને ધ્યાનમાં લેતાં સોનામાં મજબૂત રોકાણલક્ષી માગ જોવા મળે તેવી શક્યતા નકારી ન શકાય.