વૈશ્વિક સોનું એક મહિનાની ટોચેથી પાછું ફર્યું

સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો 64 પૈસા ગબડતાં શુદ્ધ સોનાએ રૂ. 583ની તેજી સાથે રૂ. 1,02,000ની સપાટી કુદાવી, ચાંદીમાં રૂ. 146નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સની નરમાઈ સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ એક મહિનાની ઊંચી આૈંસદીઠ 3423.16 ડૉલરની સપાટી સુધી પહોંચ્યા બાદ વધ્યા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવમાં સાધારણ ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં નફારૂપી વેચવાલી રહેતાં ભાવ 0.6 ટકા ઘટીને ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 64 પૈસા ગબડીને ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરો વધવાથી સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 580થી 583 વધી આવ્યા હતા, જેમાં શુદ્ધ સોનાએ રૂ. 1,02,000ની સપાટી કુદાવી હતી. તેમ જ મધ્યસત્ર દરમિયાન ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 146 વધી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. તેમ છતાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 146ના સાધારણ સુધારા સાથે રૂ. 1,17,256ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત ડૉલર સામે રૂપિયામાં 64 પૈસા જેટલા કડાકા સાથે 88.22 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરો પણ વધી આવતા વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 580 વધીને રૂ. 1,01,680 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 583 વધીને રૂ. 1,02,089ના મથાળે રહ્યા હતા. જોકે, તેજીના માહોલમાં સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે મોડી સાંજે અમેરિકાના જુલાઈ મહિનાના પર્સનલ ક્નઝમ્પશન એક્સપેન્ડિચર ડેટાની જાહેરાત પૂર્વે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં કપાતના આશાવાદ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ ગત ગત 23મી જુલાઈ પછીની ઊંચી આૈંસદીઠ 3423.16 ડૉલરની સપાટી સુધી પહોંચ્યા બાદ નફારૂપી વેચવાલી નીકળતાં ગઈકાલના બંધ સામે 0.2 ટકા ઘટીને આૈંસદીઠ 3411.29 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 3.7 ટકાનો સાપ્તાહિક ધોરણે વધારો નોંધાયો છે. વધુમાં આજે સત્રના આરંભે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.6 ટકા ઘટીને આૈંસદીઠ 38.82 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને ફેડરલ રિઝર્વ દ્વારા હળવી નાણાનીતિ અપનાવવામાં આવે તેવા આશાવાદને કારણે સોનામાં તેજીને ટેકો મળ્યો હોવાનું કેસીએમ ટ્રેડનાં વિશ્લેષક ટીમ વૉટરરે જણાવતા ઉમેર્યું હતું કે આજે જાહેર થનારા અમેરિકાના જુલાઈ મહિનાના ફુગાવામાં 0.3 ટકાનો વધારો થવાની ધારણા છે.
નોંધનીય બાબત એ છે કે ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વૉલરે જણાવ્યું હતું કે આગામી નીતિવિષયક બેઠકમાં અમેરિકાના ટૂંકા ગાળાના દેવાના ખર્ચને ઘટાડવા વ્યાજદરમાં કપાત માટે તેમ જ ત્યાર પછી ત્રણથી છ મહિના બાદ વ્યાજદરમાં કપાતને મારું સમર્થન છે. હાલમાં સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ટ્રેડરો વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટના ઘટાડાની 86 ટકા ધારણા મૂકી રહ્યા છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર ફેડ ગવર્નર લિસા કૂકે ગત ગુરુવારે કાયદાકીય કેસ દાખલ કરતાં દાવો કર્યો હતો કે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ પાસે મને સત્તા પરથી દૂર કરવાનો કોઈ અધિકાર નથી.
આપણ વાંચો: ફેડરલના ગવર્નર કૂકને દૂર કરવાના સંકેતે ડૉલર ઈન્ડેક્સ નબળો પડ્યો