વેપાર

વૈશ્વિક સોનું રેન્જ બાઉન્ડ, સ્થાનિક સોના-ચાંદીમાં ધીમો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: આ સપ્તાહના અંતે જાહેર થનારા અમેરિકાના પર્સનલ કંઝપ્સનએક્સપેન્ડિચર ડેટાને ધ્યાનમાં લેતાં આજે વૈશ્વિક બજારમાં સપ્તાહના આરંભે હાજરમાં સોનાના ભાવ રેન્જ બાઉન્ડ અથવા તો સાંકડી વધઘટે અથડાઈ ગયાના નિર્દેશો હતા. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન બન્ને કિંમતી ધાતુઓમાં ઘટ્યા મથાળેથી છૂટીછવાઈ માગનો ટેકો મળતાં ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું, જેમાં ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૮૬નો સાધારણ સુધારો આવ્યો હતો અને સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૩૫થી ૨૩૬ વધી આવ્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં હાજરમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૩૫ વધીને રૂ. ૬૧,૯૯૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૨૩૬ વધીને રૂ. ૬૨,૨૪૪ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલી પાંખી હતી, પરંતુ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૮૬ના સાધારણ સુધારા સાથે રૂ. ૬૯,૭૩૯ના મથાળે રહ્યા હતા.

સામાન્યપણે વ્યાજદરમાં ઘટાડા માટે અમેરિકી ફેડરલ રિઝર્વ ફુગાવાના ડેટાને ધ્યાનમાં લેતી હોય છે અને આ સપ્તાહના અંતે અમેરિકાનાં પર્સનલ કંઝપ્સન એક્સપેન્ડિચરના ડેટાની જાહેરાત થવાની હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવતા હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને આગલા બંધ સામે ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૨૦૩૨.૩૨ ડોલર અને માર્ચ વાયદાના ભાવ ૦.૪ ટકા ઘટીને ૨૦૪૧.૮૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ૦.૫૬ ટકા ઘટીને ઔંસદીઠ ૨૨.૯૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

અત્રે નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે ફેડરલ રિઝર્વનાં ઘણાં અધિકારીઓએ ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. તેમ છતાં મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધવાની ભીતિ હેઠળ સોનામાં સલામતી માટેની માગ જળવાઈ રહેતાં ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker