વૈશ્વિક સોનું રેન્જ બાઉન્ડ, સ્થાનિક સોના-ચાંદીમાં સામસામા રાહ
ચાંદી 204 ઘટી, સોનામાં 216નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આ સપ્તાહના અંતે જાહેર થનારા અમેરિકાના પર્સનલ ક્નઝ્મ્પશન એક્સપેન્ડિચર ડેટા અને બેરોજગારી ભથ્થું મેળવનારાઓના ડેટાને ધ્યાનમાં લેતાં આજે વિશ્વ બજારમાં સપ્તાહના આરંભે હાજરમાં સોનાના ભાવ રેન્જ બાઉન્ડ અથવા તો સાંકડી વધઘટે અથડાઈ ગયાના નિર્દેશો હતા. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે બન્ને કિંમતી ધાતુઓમાં માગ અનુસાર ભાવમાં સામસામાં રાહ જોવા મળ્યા હતા, જેમાં ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલી રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. 204નો ઘટાડો આવ્યો હતો, જ્યારે સોનામાં 10 ગ્રામદીઠ રૂ. 215થી 216નો ઘટાડો જોવા મળ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની છૂટીછવાઈ માગ જળવાઈ રહેતાં હાજરમાં 99.5 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 215 વધીને રૂ. 61,975 અને 99.9 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 216 વધીને રૂ. 62,224ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે .999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 204ના ઘટાડા સાથે રૂ. 69,449ના મથાળે રહ્યા હતા.
સામાન્યપણે વ્યાજદરમાં ઘટાડા માટે અમેરિકી ફેડરલ રિઝર્વ ફુગાવાના ડેટાને ધ્યાનમાં લેતી હોય છે અને આ સપ્તાહના અંતે અમેરિકાનાં પર્સનલ ક્નઝ્મ્પશન એક્સપેન્ડિચરના ડેટા અને બેરોજગારીનાં ડેટાની જાહેરાત થવાની હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવતા હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને આગલા બંધ સામે 0.16 ટકા ઘટીને આૈંસદીઠ 2032.49 ડૉલર અને માર્ચ વાયદાના ભાવ 0.43 ટકા ઘટીને 2040.55 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ 0.38 ટકા ઘટીને આૈંસદીઠ 22.56 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અત્રે નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે ફેડરલ રિઝર્વનાં ઘણાં અધિકારીઓએ ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. તેમ છતાં મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધવાની ભીતિ હેઠળ સોનામાં સલામતી માટેની માગ જળવાઈ રહેતાં ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.