સપ્તાહના અંતે અમેરિકાના જોબ ડેટા અપેક્ષાથી મજબૂત આવતા વૈશ્ર્વિક સોનામાં પીછેહઠ
કોમોડિટી -રમેશ ગોહિલ
અમેરિકી ફેડરલ રિઝર્વની ગત ૩૦-૩૧ જાન્યુઆરીના રોજ સમાપન થયેલી નીતિવિષયક બેઠકના અંતે અપેક્ષાનુસાર વ્યાજદર યથાવત્ રાખવાની સાથે વર્તમાન વ્યાજદરની સપાટી લાંબા સમયગાળા સુધી જાળવી રાખવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરતાં માર્ચ મહિનાથી વ્યાજદરમાં કપાતના બજાર વર્તુળોના આશાવાદ પર પાણી ફરી વળતાં સોનાના ભાવમાં વધ્યા મથાળેથી ઘટાડાતરફી વલણ રહ્યું હતું. જોકે, મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધવાને કારણે છૂટીછવાઈ સલામતી માટેની માગને ટેકે ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો. વધુમાં સપ્તાહના અંતે જાહેર થયેલા અમેરિકાના જોબ ડેટા બજારની અપેક્ષા કરતાં મજબૂત આવ્યા હોવાથી ડૉલર ઇન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી સોનાના ભાવમાં વધ્યા મથાળેથી ઘટાડો આવ્યો હતો.
એકંદરેે ગત ગુરુવાર સુધીનાં વૈશ્ર્વિક બુલિયન માર્કેટના પ્રોત્સાહક અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. જોકે, વધ્યા મથાળેથી રોકાણકારો અને સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી રહી હતી. તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની પ્રવર્તમાન લગ્નસરા પેટેની ખપપૂરતી માગનો ટેકો મળ્યો હોવાના અહેવાલ હતા. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર સ્થાનિકમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ૧૦ ગ્રામદીઠ ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત ૨૫ જાન્યુઆરીના રૂ. ૬૨,૩૧૨ના બંધ સામે સાધારણ સુધારા સાથે રૂ. ૬૨,૪૯૭ના મથાળે ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં ખૂલતી રૂ. ૬૨,૪૯૭ની સપાટી અને ઉપરમાં રૂ. ૬૩,૧૫૩ની રેન્જમાં અથડાઈને અંતે સાપ્તાહિક ધોરણે ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૩૦ અથવા તો ૧.૩૩ ટકા વધીને રૂ. ૬૩,૧૪૨ના મથાળે બંધ રહ્યા હતા. છેલ્લી નીતિવિષયક બેઠકના અંતે ફેડરલ રિઝર્વે લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે એવો સંકેત આપ્યો હોવાથી સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા, પરંતુ મધ્યપૂર્વના દેશોમાં વધેલા તણાવને કારણે સોનામાં સલામતી માટેની માગમાં વધારો થવાથી ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. આ ઉપરાંત ડૉલર ઈન્ડેક્સ ઘટીને ૧૦૨ આસપાસની સપાટીએ ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાના સુધારાને ટેકો મળ્યો હતો. જોકે સપ્તાહના અંતે જાહેર થયેલા અમેરિકાના જોબ ડેટા અનુસાર ગત જાન્યુઆરી મહિનામાં ૩,૫૩,૦૦૦ રોજગારનો ઉમેરો થયો હોવાનું શ્રમ મંત્રાલયે જણાવ્યું હતું. આમ એકંદરે અમેરિકી અર્થતંત્ર માત્ર મજબૂત ગતિએ વૃદ્ધિ નથી પામી રહ્યું, પરંતુ રોજગાર ક્ષેત્રે પણ સુધારો જોવા મળી રહ્યો છે. નોંધનીય બાબત એ છે કે ગત ડિસેમ્બર મહિનામાં રોજગારોની સંખ્યામાં ૩,૩૩,૦૦૦ની વૃદ્ધિ જોવા મળી હોવાથી સપ્તાહના અંતે ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડમાં પુન: સુધારો આવતા સપ્તાહના અંતે સોનાના ભાવમાં પીછેહઠ જોવા મળી હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવ્યું હતું. એકંદરે ગત સપ્તાહના અંતે સોનામાં પીછેહઠ જોવા મળી હોવા છતાં મધ્ય પૂર્વના દેશોમાં તણાવ ઉપરાંત રાતા સમુદ્રમાં માલની હેરફેરની ચિંતા સપાટી પર હોવાથી સોનામાં સલામતી માટેની છૂટીછવાઈ માગનો ટેકો મળતો રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરતાં ઉમેર્યું હતું કે અમારા મતે આગામી સપ્તાહ દરમિયાન સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૨,૦૦૦થી ૬૫,૦૦૦ની રેન્જમાં અથડાતા રહે તેવી શક્યતા જણાય છે. દરમિયાન ગત સપ્તાહના અંતે અમેરિકાના નોન ફાર્મ પૅરૉલ ડેટા અપેક્ષા કરતાં મજબૂત આવતા ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૦.૮ ટકા ઘટીને ઔંસદીઠ ૨૦૩૮.૫૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવા છતાં ભાવમાં સાપ્તાહિક ધોરણે એક ટકા જેટલો વધારો નોંધાયો હતો, જ્યારે વાયદામાં પણ ભાવ ૦.૮ ટકા ઘટીને ઔંસદીઠ ૨૦૫૩.૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત જાન્યુઆરીમાં નોન ફાર્મ પૅરૉલ ડેટામાં રોજગારોની સંખ્યામાં ૧,૮૦,૦૦૦નો ઉમેરો થવાની ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા હતા, પરંતુ વાસ્તવમાં રોજગારોની સંખ્યામાં ૩,૫૩,૦૦૦નો ઉમેરો થતાં ડૉલર ઈન્ડેક્સમાં ૦.૯ ટકા જેટલો ઉછાળો આવ્યો હતો તેમ જ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં પણ વધારો થયો હતો.
વધુમાં સીએમઈ ફેડ વૉચ ટૂલ્સમાં અગાઉ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાતની મે મહિનાથી શરૂઆત કરે તેવી ૯૨ ટકા શક્યતા બજાર વર્તુળો મૂકી રહ્યા હતા, પરંતુ રોજગારીના ડેટા જાહેર થયા બાદ આ શક્યતા ઘટીને ૭૦ ટકા થઈ ગઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.