અમેરિકા-ચીન ટ્રેડ વૉર વકરતા વૈશ્વિક સોનામાં વેગીલી બનતી તેજી

લંડન/ મુંબઈ: ગત બુધવારે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ચીન સિવાયના દેશો સામે રેસિપ્રોકલ ટૅરિફનો અમલ 90 દિવસ મોકૂફ રાખવાની સાથે ચીનથી થતી આયાત સામે 125 ટકા ટૅરિફ લાદવાની જાહેરાત કરતાં આજે અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વૉર વધુ વકરે તેવી ભીતિ સપાટી પર આવતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજર સોનામાં ઑક્ટોબર, 2023 પછીનો સૌથી મોટો ઉછાળો આવ્યો હતો. તેમ જ આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોની લેવાલીને ટેકે ભાવ વધુ 1.6 ટકા ઉછળી આવ્યા હતા, જ્યારે ચાંદીમાં ધીમો ઘટાડો જોવા મળ્યો હતો.
જાકે, આજે મહાવીર જયંતી નિમિત્તે ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિએશન બંધ રહ્યું હોવાથી સત્તાવાર ધોરણે સોના-ચાંદીના ભાવની જાહેરાત નહોતી થઈ, પરંતુ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે આજે (શુક્રવારે) સોનામાં તેજીનું વલણ જોવા મળે તેવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની સોનામાં ટ્રેડ વૉરને ધ્યાનમાં લેતા સોનામાં સલામતી માટેની પ્રબળ માગ રહેતાં હાજરમાં ભાવ ગઈકાલના બંધ સામે વધુ 1.6 ટકા ઉછળીને ઔંસદીઠ 3122.02 ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ 1.9 ટકા ઉછળીને 3137.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.6 ટકા ઘટીને ઔંસદીઠ 30.85 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આપણે અત્યારે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાના વાતાવરણનો સામનો કરી રહ્યા છીએ અને ખબર નથી કે આ ટ્રેડ વૉર ક્યારે અને ક્યાં જઈને અટકશે આથી મને લાગે છે આ વર્ષ દરમિયાન સોનામાં તેજીનું જ વલણ જળવાઈ રહેશે, એમ વિસ્ડમ ટ્રીનાં કૉમૉડિટી સ્ટ્રેટેજિસ્ટ નિતેશ શાહે રૉઈટર્સને જણાવતા ઉમેર્યું હતું કે રાજકીય-ભૌગોલિક તથા આર્થિક અનિશ્ચિતતાને કારણે સોનામાં સલામતી માટેની માગ જળવાઈ રહેતાં મારા મતે વર્ષ દરમિયાન સોનાના વૈશ્વિક ભાવ વધીને ઔંસદીઠ 3600 ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા નકારી ન શકાય. નોંધનીય બાબત એ છે કે સલામતી માટેની માગ અને કેન્દ્રવર્તી બૅન્કોની લેવાલીને ટેકે આ વર્ષમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 18 ટકાનો ઉછાળો આવી ગયો છે.
આપણ વાંચો: RBI એ લોન ધારકોને આપી રહાત; રેપો રેટમાં આટલા બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો
નોંધનીય બાબત એ છે કે ગત બુધવારે ટ્રમ્પે જણાવ્યું હતું કે ડઝનબંધ દેશો પર લાદવામાં આવેલી ઊંચી આયાત જકાતમાં કામચલાઉ ધોરણે ઘટાડો કરવામાં આવ્યો છે, પરંતુ ચીને અમેરિકી ઉત્પાદનો પર 84 ટકા ટૅરિફ લાદી હોવાથી અમે ચીન પરની ટેરિફ જે 104 ટકા હતી તે વધારીને 125 ટકા કરી છે.
વધુમાં ગઈકાલે જાહેર થયેલી અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકમાં એવું જણાયું હતું કે મોટાભાગના નીતિઘડવૈયાઓ સહમત થયા હતા કે અમેરિકાની આર્થિક વૃદ્ધિ મંદ પડશે અને ફુગાવમાં વૃદ્ધિ થશે. જોકે, આજે રોકાણકારોની નજર મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના કન્સ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સનાં ડેટા પર સ્થિર થઈ છે કેમ કે વ્યાજદરમાં કપાત માટે ફેડરલ રિઝર્વ મુખ્યત્વે ફુગાવા તથા રોજગારીના ડેટાને ધ્યાનમાં લેતી હોય છે.