
રમેશ ગોહિલ
ગત સપ્તાહ દરમિયાન વૈશ્વિક વિનિમય બજારમાં ખાસ કરીને અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી 16-સપ્ટેમ્બરની બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતાઓ પ્રબળ બનવાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં પણ નરમાઈનું વલણ રહેતાં વિશ્વ બજારમાં સોનાના ભાવમાં માસિક ધોરણે ગત એપ્રિલ પછીનો સૌથી મોટો 4.7 ટકાનો ઉછાળો નોંધાયો હતો.
આમ વૈશ્વિક બજારનાં પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત ગત 27મી ઑગસ્ટથી અમેરિકાએ ભારતથી થતી આયાત સામે 25 ટકાની અતિરિક્ત ટૅરિફ સાથે કુલ 50 ટકા ટૅરિફ અમલી કરી હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સપ્તાહ દરમિયાન 57 પૈસાનું ધોવાણ થઈ જવાથી સ્થાનિકમાં પણ સોનાના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી હતી અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ સાપ્તાહિક ધોરણે 10 ગ્રામદીઠ રૂ. 3030 અથવા તો 3.04 ટકા વધીને નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગત સપ્તાહે 27મી ઑગસ્ટના રોજ બજાર ગણેશચતુર્થી નિમિત્તે સત્તાવાર ધોરણે બંધ રહી હતી.
ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર સપ્તાહના આરંભે વેરારહિત ધોરણે 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત 22મી ઑગસ્ટના 10 ગ્રામદીઠ રૂ. 99,358ના બંધ સામે સુધારાના અન્ડરટોને રૂ. 1,00,345ના મથાળે ખૂલ્યા બાદ નીચામાં ખૂલતી જ રૂ. 1,00,345ની સપાટીએ રહ્યા બાદ અંતે સપ્તાહની ઊંચી રૂ. 1,02,388ની સપાટીએ બંધ રહ્યા હતા.
એકંદરે સપ્તાહ દરમિયાન રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હતી. તેમ છતાં આગામી ઑક્ટોબર મહિનામાં દેશમાં નવરાત્રી, દશેરા, ધનતેરસ અને દિવાળી જેવાં તહેવારોની મોસમ શરૂ થઈ રહી હોવાથી અપેક્ષિત માગને ધ્યાનમાં લેતા જ્વેલરી ઉત્પાદકોની સોનામાં લેવાલી નીકળી હોવાના અહેવાલ હતા.
ચેન્નાઈ સ્થિત એક જ્વેલરે જણાવ્યું હતું કે આગલા સપ્તાહે ભાવઘટાડાના આશાવાદ હેઠળ જ્વેલરી ઉત્પાદકો નવી ખરીદીથી દૂર રહ્યા હતા, પરંતુ ગત સપ્તાહે પણ ભાવમાં આગેકૂચ જળવાઈ રહી હોવાથી જ્વેલરી ઉત્પાદકોની માગનો સંચાર જોવા મળ્યો હતો.
તે જ પ્રમાણે મુંબઈ સ્થિત એક ડીલરે જણાવ્યું હતું કે સતત ત્રણ મહિના સુધી સોનાના ભાવ સરેરાશ રૂ. એક લાખ આસપાસની સપાટીએ રહ્યા બાદ જ્વલેરી ઉત્પાદકોની લેવાલીનો સંચાર જોવા મળ્યો હોવાથી સ્થાનિકમાં હવે ડીલરો સોનાના ભાવ વૈશ્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ બે ડૉલર ડિસ્કાઉન્ટથી લઈને ત્રણ ડૉલર સુધીના પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા છે.
જોકે, ગત સપ્તાહે સોનાના વૈશ્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનનાં શાંઘાઈ એક્સચેન્જ ખાતે માત્ર સટ્ટાકીય લે-વેચ અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી રહી હોવાથી ડીલરો સોનાના ભાવ ઔંસદીઠપાંચ ડૉલર પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હતા, જ્યારે આગલા સપ્તાહે પ્રીમિયમ ઔંસદીઠ 3થી 8 ડૉલર આસપાસની સપાટીએ રહ્યું હતું.
ગ્રેટર ચાઈના સ્થિત એમકેએસ પીએએમપીનાં રિજિનલ ડિરેક્ટર બર્નાર્ડ સિને જણાવ્યું હતું કે નવાં ક્વૉટાની જાહેરાતના અભાવ વચ્ચે રેનેનેમ્બિ ધોરણે સોનાના ભાવ ઊંચી સપાટીએ રહ્યા હોવાથી રિટેલ સ્તરની માગ અત્યંત નિરસ રહે છે. તે જ પ્રમાણે હૉંગકૉંગ ખાતે પણ સોનામાં નવી લેવાલીનો અભાવ અને જૂના સોનામાં વેચવાલીનું દબાણ વધુ રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
એકંદરે ડૉલર ઈન્ડેક્સની નરમાઈ સાથે ગત સપ્તાહે વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં એક મહિનાનો સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો. તેમ જ ફેડરલ રિઝર્વની નીતિવિષયક વલણમાં અનિશ્ચિતતા તથા રેટ કટ માટે થઈ રહેલા રાજકીય દબાણ જેવા કારણોસર સલામતી માટેની માગનો ટેકો પણ મળી રહ્યો છે.
વધુમાં ગત સપ્તાહે ફેડરલ રિઝર્વના ગવર્નર ક્રિસ્ટોફર વૉલરે આગામી નીતિવિષયક બેઠકમાં તેઓ વ્યાજદરમાં કપાતને ટેકો આપશે, એમ જણાવવાની સાથે હવે ફેડરલ રિઝર્વ નાણાનીતિમાં તટસ્થ વલણ અપનાવશે અને વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકશે, એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
વધુમાં ગત સપ્તાહે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ફેડરલના ગવર્નર લિસા કૂકને હોદ્દા પરથી દૂર કર્યા હોવાથી ફેડરલ રિઝર્વની સ્વતંત્રતા પર પ્રશ્નાર્થ ઊભો થવાથી પણ સોનામાં સલામતી માટેની માગને ટેકો મળ્યો હતો. જોકે, ત્યાર બાદ લિસા કૂકે ટ્રમ્પના આ નિર્ણયને કોર્ટમાં પડકારતા જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્ર પાસે મને સત્તા પરથી દૂર કરવાનો અધિકાર નથી.
એકંદરે હાલની વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં લેતા આગામી સપ્તાહ દરમિયાન વૈશ્વિક સોનામાં ઔંસદીઠ 3580 ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી અને 3300 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થાય તેમ જણાય છે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 98,500થી રૂ. 1,04,000ની રેન્જમાં રહે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.
દરમિયાન ગત સપ્તાહના અંતે અમેરિકાના જાહેર થયેલા જુલાઈ મહિનાના ફુગાવાના ડેટામાં અપેક્ષાનુસાર આગલા મહિનાની સરખામણીમાં 0.2 ટકા વધીને વર્ષાનુવર્ષ ધોરણે વધીને 2.6 ટકાની સપાટીએ રહ્યો હોવાના અહેવાલો વહેતા થતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.8 ટકા વધીને ગત 17 જુલાઈ પછીની ઊંચી ઔંસદીઠ 3443.19 ડૉલર આસપાસ રહ્યા હતા.
જ્યારે ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ આગલા બંધ સામે 1.2 ટકા વધીને 3516.1 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગત ઑગસ્ટ મહિનામાં ડૉલર ઈન્ડેક્સમાં માસિક ધોરણે 2.2 ટકાનો ઘટાડો આવ્યો હતો, જ્યારે ડૉલરની નબળાઈ સાથે સોનાનામાં માસિક ધોરણે 4.7 ટકા જેટલી તેજી જોવા મળી હતી.
અમેરિકાના જુલાઈ મહિનાના ફુગાવાના ડેટા, શ્રમ બજારમાં મંદ વલણ અને વ્યાજદરમાં કપાત માટે થઈ રહેલા રાજકીય દબાણને ધ્યાનમાં લેતા વર્તમાન નાણાકીય વર્ષમાં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં બે વખત કાપ મૂકે તેવી શક્યતા હાઈ રિજ ફ્યુચર્સનાં મેટલ વિભાગના ડિરેક્ટર ડેવિડ મીગરે વ્યક્ત કરી હતી.
તેમ જ ગત શુક્રવારે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં 25 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી 89 ટકા શક્યતા ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો…દિવાળી પહેલા સોનું ખરીદવાની સારી તક! એક અઠવાડિયામાં ભાવમાં આટલો ઘટાડો…