વેપાર

સ્થાનિક સોનું રૂ. ૯૧૨ની તેજી સાથે રૂ. ૭૧,૦૦૦ની પાર, ચાંદી રૂ. ૨૧૧૬ ચમકી: ચીને સોનાના નવાં આયાત ક્વૉટા જારી કર્યા

વૈશ્વિક સોનામાં વિક્રમ સપાટીએથી સાધારણ પીછેહઠ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર ગત સપ્તાહના અંતે શુક્રવારે ફેડરલ રિઝર્વ દ્વારા સપ્ટેમ્બર મહિનાથી રેટ કટ શરૂ થવાના આશાવાદ સાથે હાજરમાં ભાવ એક તબક્કે વધીને ઔંસદીઠ ૨૫૦૯.૬૫ ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા હતા. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે વધ્યા મથાળેથી ભાવમાં પીઠેહઠ જોવા મળી હતી, જ્યારે ચાંદીમાં સુધારો આગળ ધપ્યો હોવાના અહેવાલ હતા. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ગત શુક્રવારના વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૦૯થી ૯૧૨ની તેજી જોવા મળી હતી અને ભાવ રૂ. ૭૧,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા. તે જ પ્રમાણે ચાંદીમાં પણ ભાવ કિલોદીઠ રૂ. ૨૧૧૬ના ઉછાળા સાથે રૂ. ૮૩,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા.

આ પણ વાંચો: એક કિલો સોનું પરત કરનારને ઠપકાપત્ર

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૨૧૧૬ના ઉછાળા સાથે રૂ. ૮૩,૬૨૬ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ વૈશ્વિકબજારના પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત રોકાણકારો અને સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી અને જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં મધ્યસત્ર દરમિયાન ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૯૦૯ વધીને રૂ. ૭૧,૨૩૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૯૧૨ વધીને રૂ. ૭૧,૫૧૬ના મથાળે રહ્યા હતા.

વૈશ્વિક સ્તરે ખાસ કરીને ફેડરલ રિઝર્વ દ્વારા સપ્ટેમ્બર મહિનાથી વ્યાજદરમાં કપાતનો આશાવાદ પ્રબળ થવાની સાથે મધ્ય પૂર્વનાં દેશોમાં રાજકીય-ભૌગોલિક તણાવને કારણે સોનામાં સલામતી માટેની માગનો ટેકે મળતાં ગત શુક્રવારે ન્યૂ યોર્ક ખાતે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૨૫૦૯.૬૫ ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા બાદ પાછા ફર્યા હતા. જોકે, આજે લંડન ખાતે હાજરમાં સોનાના ભાવ વધ્યા મથાળેથી સાધારણ ૦.૨ ટકા ઘટીને ૨૫૦૩.૧૦ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૨ ટકા વધીને ૨૫૪૧.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૨૯.૧૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યાના અહેવાલ હતા. નોંધનીય બાબત એ છે કે આ વર્ષમાં અત્યાર સુધીમાં સોનાના વૈશ્વિક ભાવમાં ૨૦ ટકા જેટલો ઉછાળો આવી ગયો છે.

દરમિયાન ચીનની કેન્દ્રવર્તી બૅન્કે સોનાની અપેક્ષિત માગ પહોંચી વળવા માટે ઘણી બૅન્કોને સોનાની આયાત માટેનાં ક્વૉટા ફાળવ્યા હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે.

આ પણ વાંચો: ચાર હજાર રૂપિયા સસ્તુ થઇ ગયું સોનું

ગત સપ્તાહે અમેરિકામાં રિટેલ વેચાણનાં ડેટા મજબૂત આવવાની સાથે બેરોજગારી ભથ્થુ મેળવવા માટેની અરજીની સંખ્યામાં પણ બજારની અપેક્ષા કરતાં ઘટાડો થવાથી એક તરફ આર્થિક મંદીની ભીતિ ટળી હતી અને સપ્ટેમ્બરથી વ્યાજદરમાં કપાતની શક્યતા પણ ઉજળી બની હોવાથી સોનાની તેજીને ટેકો મળ્યો હતો. વધુમાં મધ્ય પૂર્વનાં દેશોના તણાવને ધ્યાનમાં લેતા સલામતી માટેની માગ અને કેન્દ્રવર્તી બૅન્કોનો સોનામાં લેવાલીનો ટેકો મળતાં તેજીને ઈંધણ મળ્યું હોવાનું કેસીએમ ટ્રેડના વિશ્ર્લેષક ટીમ વૉટરરે જણાવતા ઉમેર્યું હતું કે હાલ સોનાએ ઔંસદીઠ ૨૫૦૦ ડૉલરની મનોવૈજ્ઞાનિક સપાટી કુદાવી હોવાથી ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલી અપેક્ષિત છે.

ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનામાં વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ૭૫.૫ ટકા શક્યતા ટ્રેડરો સીએમઈ ફેડ વૉચ ટૂલ પર મૂકી રહ્યા છે. જોકે, હાલ બજારમાં રોકાણકારો અને ટ્રેડરોની નજર આગામી બુધવારે જાહેર થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સ પર તેમ જ સપ્તાહના અંતે શુક્રવારે જેક્શન હૉલ ખાતે ફેડરલ રિઝર્વનાં અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પર સ્થિર થઈ છે.

Back to top button
દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA અભિનેત્રી રેખાની યાદગાર એડવર્ટાઈઝમેન્ટ

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker